નક્સલી હુમલો : છત્તીસગઢના બીજાપુર બોર્ડર પર અથડામણમાં ૨૨ જવાન શહીદ…

38

બીજાપુરમાં નક્સલીઓ સાથેની અથડામણમાં 22 જવાન શહીદ, 20ના મૃતદેહ હજી પણ ઘટનાસ્થળે, ૨૪ કલાક પછી પણ નથી પહોંચી રેસ્ક્યૂ ટીમ…

છત્તીસગઢ : નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાની બોર્ડર પર નક્સલીઓ સાથે થયેલી અથડામણ બાદ આજે એટલે કે રવિવારે વધુ ૧૭ શબ મળ્યાં છે. શનિવારે બસ્તર વિસ્તારમાં નક્સલીઓ સાથે એનકાઉન્ટર બાદ ૨૧ જવાન ગુમ હતા. જ્યારે આજે સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણ સ્થળેથી સુરક્ષાકર્મીઓના ૧૭ વધુ શબ મળી આવ્યા છે. આમ નક્સલી હુમલામાં અત્યાર સુધી કુલ ૨૨ જવાન શહીદ થયા છે. ઉલ્લેખનીય છે કે, કાલે પાંચ જવાન શહીદ થયા હતા અને લગભગ ૩૦ ઇજાગ્રસ્ત જવાન હોસ્પિટલમાં ભરતી છે.
શનિવારે બસ્તરના બીજાપુરમાં નક્સલીઓએ ૭૦૦ સૈનિકોને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. બીજાપુર એસપીએ જણાવ્યું કે આ હુમલામાં ૨૨ જવાનો શહીદ થયા છે. જો કે, આ સંખ્યા ૨૪ હોવાની આશંકા છે.ગ્રાઉન્ડ ઝીરોનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ૨૦ જવાનોના મૃતદેહ હજી ઘટનાસ્થળે જ જોવા મળી રહ્યા છે. અહીં રેસ્ક્યૂ ટીમ પણ હજી સુધી પહોંચી શકી નથી.

લગભગ ૭૦૦ જવાનોને નક્સલીઓએ બીજાપુરના તર્રેમ વિસ્તારમાં જોનાગુડા ટેકરીઓ પાસે ઘેરી લીધા હતા. ત્રણ કલાક ચાલેલી અથડામણમાં ૯ નક્સલીઓ પણ માર્યા ગયા છે. લગભગ ૩૦ જવાન ઘાયલ થયા છે. ૨૦ દિવસ પહેલા UAV તસવીરો પરથી અહીંયા મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરી હોવાની જાણકારી મળી હતી.

એએનઆઇ અનુસાર, બીજાપુરના એસપી કામાલોચન કશ્યપે આ વાતની પૃષ્ટિ કરી છે કે શહીદ થનારા જવાનોની સંખ્યા ૨૨ થઇ છે અને આમાંથી ૧૫ શબ આજે મળ્યા છે. પાંચ શબ કાલે મળ્યા હતા. નોંધનીય છે કે, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાની બોર્ડર પર નક્સલીઓ સાથે અથડામણ બાદ ૨૧ જવાન ગુમ હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોને ઘટનાસ્થળથી એક મહિલા નક્સલીનો શબ મળ્યો હતો.