ધાનાણીના ટ્‌વીટથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ, કહ્યું- ગાંડો હાલશે પણ ગદ્દાર નહિં…

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ સીટોની પેટાચૂંટણીઓ માટે શંખનાદ થઈ ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરીને તેમને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વધુ એક ટ્‌વીટ કરીને રાજકરણમાં ગરમાવો લાવી દીધો છે. આ પહેલા પણ ગુજરાત કોંગ્રેસે પેટાચૂંટણીને લઈને અભિયાન જાહેર કરી દીધું હતું. પેટાચૂંટણીઓમાં કોંગ્રેસના નવું અભિયાનનું નામ ‘ગદ્દાર જયચંદો જવાબ આપો’ના નામે ચલાવ્યું હતું.
વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેઓ અવારનવાર પોતાના ટ્‌વીટના કારણે ચર્ચામાં આવી જાય છે અને તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર પર પણ મોટા-મોટા આક્ષેપો કરતા રહે છે. ત્યારે હવે પેટા ચૂંટણીની તારીખ આગળ વધી રહી છે રાજકીય નિવેદનોના કારણે માહોલમાં ગરમાવો આવતો જોવા મળે છે. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ફરી એક વાર સોશિયલ મીડિયામાં બોમ્બ ફોડ્યો છે. પરેશ ધાનાણીએ ટ્‌વીટર પર લખ્યું છે કે ‘ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ’. પરેશ ધાનાણીએ પોતાના ટ્‌વીટમાં લખ્યું છે કે,
ગદ્દારો વિરુદ્ધ, ગુજરાતની લડાઈ. ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ.! આ ટ્‌વીટમાં પરેશ ધાનાણીએ પોલિટિકલ કાર્ટૂન સાથે એક કેપ્શન ટ્‌વીટ કરી છે. આ કેપ્શનના કારણે ફરી પક્ષ પલટો કરી ભાજપમાં જનારા નેતાઓ પર નિશાન તાકવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ બન્ને પક્ષોના નેતાઓ એક બીજા પર ખરીદ વેચાણને લઈને આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ટ્‌વીટરના માધ્યમથી એક અલગ જ પ્રકારનું અભિયાન ચલાવી રહ્યા છે જેમા તેઓ પક્ષપલટો કરનારા ધારાસભ્યોને પોતાનો નિશાનો બનાવી રહ્યા છે.