દેશમાં ‘મોદીયુગ’ : વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા

  • દેશમાં સતત બીજી વાર પૂર્ણ બહુમતવાળી બિન કોંગ્રેસી સરકારે સત્તાનુ સુકાન સંભાળ્યુ

  • વડાપ્રધાન મોદીની સાથે અન્ય કેબિનેટ મંત્રીઓએ પણ શપથગ્રહણ કર્યા,અમિત શાહ,રાજનાથસિંહ,પિયૂષ ગોયલ, સીતારમણ સહિતના નેતાઓનો સમાવેશ,અમિત શાહ પ્રથમવાર કેબિનેટ મંત્રી બન્યા

ન્યુ દિલ્હી,
દિલ્હીના રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં નરેન્દ્ર મોદી આજે સતત બીજી વખત દેશના ૧૬મા વડા પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. પીએમ મોદીએ બરાબર ૭ વાગ્યે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ શપથ ગ્રહણ કરવા ઉભા થયા તે સાથે જ મોદી-મોદીના નારા શરૂ થઈ ગયા હતા.
નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૪માં પ્રથમ વખત વડા પ્રધાન બન્યા હતા. ભાજપે તેમનો ચહેરો આગળ કરીને ચૂંટણી લડી હતી. પીએમ મોદી બાદ રાજનાથ સિંહે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારંભના મંચ પર રાજનાથ સિંહ, રવિશંકર પ્રસાદ, અમિત શાહ, હરમિત કોર બાદલ, પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકર સહિતના નેતાઓ મંચ પર બિરાજમાન થયેલા દ્રષ્ટિગોચર થાય હતા.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ આ મંત્રીમંડળમાં સામેલ થવા જઈ રહ્યા છે તેવા સંકેત મળ્યાં છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પોતે ટિ્‌વટ કરીને અમિત શાહને શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના આવાસ ૭ લોકકલ્યાણ માર્ગ પર સંભવિત મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તમામ સાંસદો શપથગ્રહણ માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. સિમલાની હમીરપુર બેઠક પરથી સાંસદ બનેલા અનુરાગ ઠાકુરે પણ વડાપ્રધાન મોદીની મુલાકાત કરી હતી.
મોદી કેબિનેટમાં ડિમ્પલ યાદવને હરાવનારા સુબ્રત પાઠક, રાજનાથ સિંહ, મુખ્તાર અબ્બાસ નકવી, પીયૂષ ગોયલ, સ્મૃતિ ઈરાની, નિતીન ગડકરી, રામવિલાસ પાસવાન, નિર્મલા સીતારમણ, પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ, અનુપ્રિયા પટેલ, નરેન્દ્ર સિંહ તોમર, ધર્મેન્દ્ર પ્રધાન, જેપી નડ્ડા, ગિરિરાજ સિંહ, આરકે સિંહ, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, અર્જુન સિંહ, ગજેન્દ્ર સિંહ શેખાવતા, રામદાસ આઠવલે સામેલ થયા હતા.
પીએમ મોદીના હોમ સ્ટેટ ગુજરાતના બે સાંસદો પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતુ.