દેશની શૌર્ય ગાથાને સલામી અર્પણ કરવાનો અવસર એટલે “સ્વાતંત્ર્યદિન પંદરમી ઓગષ્ટ”

વિશ્વની પ્રાચીનત્તમ સંસ્કૃતિઓની સાડીમાં પાલવનું સ્થાન ધરાવતી સંસ્કૃતિ એટલે ભારત…

વિશ્વની પ્રાચીનત્તમ સંસ્કૃતિઓની સાડીમાં પાલવનું સ્થાન ધરાવતી સંસ્કૃતિ એટલે ભારત. વિશ્વની ભુગોળમાં ભારત દેશ નહીં પરંતુ સુસંસ્કૃત સંસ્કૃતિનું ઉન્નત શિખર છે,અને એની આકર્ષક સમૃદ્ધિથી જ આકર્ષાઇને અનેક દેશની પ્રજાઓ આ ભૂમિમાં આવી અને એનો સેંકડો વર્ષો સુધી લાભ લીધો. અતિથિદેવો ભવ સૂત્રને વરેલી આ ભૂમિની ઉદારતાનો લાભ લઈ અંગ્રેજો, ફિરંગીઓ, ડચો વગેરે લોકોએ અહીં આવી આતિથ્ય ભોગવવાનાં બદલે શાસન કરવા માંડ્યું અને ભારતીય પ્રજાની દુર્દશા બેઠી. પરંતુ આ ભૂમિના શાસ્ત્રોના સ્તનપાનથી ઉછરેલી સિંહ જેવી ભારતીય પ્રજાએ સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલ્યો અને જુદા જુદા દેશની રમકડાં જેવી પ્રજાઓને આ ભૂમિ છોડી ભાગવું પડ્યું.આ સંગ્રામમાં મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ચાચા નહેરું, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, લોકમાન્ય તિલક, દાદાભાઇ નવરોજી, તાત્યા ટોપે, રાણી લક્ષમીબાઈ તથા શહીદ ભગતસિંહ વગરે આગેવાનોએ ભારત ભૂમિના અલગ અલગ પ્રદેશની આગેવાની લીધી અને ભારતની ભોળી પ્રજાને જગાડવાનું કામ કર્યું. અને 15મી ઓગષ્ટ 1947ના દિવસે આપણો દેશ અંગ્રેજોના શાસનના સકંજા માંથી મુક્ત થયો.જાણે સોનાનો સૂરજ ઉગ્યો!

ભારતમાં માત્ર હિંદુ જ નહીં પરંતુ ઈસ્લામ, શીખ, અને ખ્રિસ્તી ધર્મના સ્થાપત્યો પણ આવેલા છે.આપણો ભારત દેશ ધર્મની સાથે સાથે ભૌગોલિક વિવિધતા ધરાવે છે…

ભારત દેશ મંદિરોનો દેશ છે.છતાં અહીં વિવિધતામાં એકતાની પૂજા થાય છે. હિંદુઓની ધરોહર આ ભૂમિ ઉત્તરે  હિમાલય ભગવાન શિવને ખોળામાં લઈ બિરાજમાન છે જ્યારે દક્ષિણે સાગર શિવનાં જ ચરણોને પખાળે છે. પશ્ચિમે દ્વારકાધીશની ધજા ફરકે છે જ્યારે પૂર્વમાં ભગવાન જગન્નાથ હાસ્ય કરે છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ દેશની ચારે બાજુ પથરાયેલા મંદિરો હકીકતમાં હિંદુઓના જ આસ્થા કેન્દ્રો નહીં પરંતુ દેશની તમમ પ્રજા માટેના ઉર્જા કેન્દ્રો છે. અને ભારતીય મંદિરોમાં ગોઠવાયેલી મૂર્તિઓ ભારતીય પરંપરામાં રહેલી વૈજ્ઞાનિક દ્રષ્ટિની સૂચક છે.

ભારતમાં માત્ર હિંદુ જ નહીં પરંતુ ઈસ્લામ, શીખ, અને ખ્રિસ્તી ધર્મના સ્થાપત્યો પણ આવેલા છે.આપણો ભારત દેશ ધર્મની સાથે સાથે ભૌગોલિક વિવિધતા ધરાવે છે.અહીં પર્વતીય,દરિયાઇ અને રણ એમ ત્રણેય પ્રદેશો અનોખી ભાત પાડે છે. હિમાલયની પહાડી સંસ્કૃતિ કે રાજસ્થાનની તથા કચ્છની રણ સંસ્કૃત તથા દક્ષિણ -પૂર્વની દરિયાઈ સંસ્કૃતિ વિશ્વને વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. ભારતીય પ્રજા મૂળ આર્ય સંસ્કૃતિને પ્રવાહિત કરનાર આર્ય પ્રજા છે. મુખ્ય ખેતી પ્રધાન આ દેશ ઉદ્યોગો, પ્રત્યાયન અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ખૂબ આગળ હોવા છતાં ખેડૂતોને જગતનો તાત ગણે છે.અમદાવાદ,મુંબઈ, દિલ્હી, જયપુર, શ્રીનગર, ચંદીગઢ, આગ્રા,ભોપાલ,પટના,કલકત્તા,બેંગલોર,હૈદરાબાદ,તિરુવન્તપુરમ એ દેશની ફરકતી ધજાઓ છે અને એ તમામ ભારતીયતાના મંદિર પર ફરકે છે.

સ્વામીવિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, ઓશો રજનીશ, દયાનંદ સરસ્વતી, ઝવેરચંદ મેઘાણી, મોરારજી દેસાઇ,અટલ બિહારી વાજપેયી, વિક્રમ સારાભાઇ ,અબ્દુલ કલામ ,રતન તાતા, મુકેશ અંબાણી, સુષ્મા સ્વરાજ, નરેન્દ્ર મોદી, લતામંગેશકર, અમિતાભ બચ્ચન વગરે ધર્મ, વિજ્ઞાન, ઉદ્યોગ અને કલા અને સાહિત્ય ક્ષેત્રમાં દેશની ફળદ્રુપતા દર્શાવતા માનવ વૃક્ષો છે જેઓએ એક યા બીજા પ્રકારે દેશ્સેવા કરી દેશને કલ્યાણ બક્ષ્યું છે. મિલે સૂરા મેરા તૂમ્હારા તો સૂર બને હમારા ગાતી દેશની નદીઓ દેશની આસ્થાનું વહેણ છે. વિવિધ ભાષાઓ, વિવિધ મિષ્ઠાનો અને વિવિધ પોષાકો વિશાળ ભારતીય ચક્રના આરાઓ છે. જે થકી જ ભારત દેશ મજબૂત અને ગતિમાન છે. ભારતીય લોકતંત્ર પ્રજાસત્તાક છે. અહીંની રાજનીતિ પર લોકોના હસ્તાક્ષર છે.
ભારતમાં જ્યારે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાય છે ત્યારે ભારતીય એરફોર્સ સેના જગતના આકાશમાં તિરંગો રચે છે ત્યારે સમગ્ર પ્રકૃતિ રાષ્ટગાન કરે છે. અને સાંજ ટાણે સંધ્યા શહીદોની શહીદી યાદ કરી અશ્રુ ભીની બને છે અને સૂર્ય નતમસ્તક બને છે. ભારતીય સ્વાતંત્ર્ય પર્વ ભારતમાં શાળા કોલેજો અને સરકારી કચેરીઓમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતીયો દ્વારા ભારતીય હૃદયમાં ઉજવાતો રાષ્ટ્રીય તહેવાર છે. અંતમાં હું મારી જ પંક્તિઓ થકી દેશની ગરિમાને વંદન અર્પણ કરતાં કહીશ કે…
કમળ કેરો ફુલ ગુલાબી મુગટ,
હુંય રાખું છું, હા હું મારા દેશનું અભિમાન રાખું છું. 
વાઘની મસ્તાની ચાલ જેવો  રૂઆબ, હુંય રાખું છું, હા હું મારા દેશનું અભિમાન રાખું છું.
લહેરાતું જોઇ અશોક ચક્ર, 
હૃદય પરિવર્તન હુંય અનુભવું છું 
હા હું મારા દેશનું અભિમાન રાખું છું. 

  • લેખક:- એકતા યુ. ઠાકર – આચાર્યાશ્રી, બામણગામ, તા.આંકલાવ, જી.આણંદ