દેશના વિકાસમાં જિન્નાનું પણ યોગદાન છે: કોંગ્રેસના આ નેતાએ કરી જિન્નાની પ્રશંસા

લોકસભા ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને ફરી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહંમદ અલી જિન્ના પર રાજનીતિ થવા લાગી છે. ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસની ટિકિટ પર પટનાસાહિબથી ચૂંટણી લડી રહેલા શત્રુઘ્ન સિન્હાએ મધ્ય પ્રદેશના છિંદવાડામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું કે દેશની આઝાદી અને વિકાસમાં મોહંમદ અલી જિન્નાનું પણ મોટું યોગદાન છે.

શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, કોંગ્રેસ પરિવાર મહાત્મા ગાંધીથી લઇને સરદાર વલ્લભભાઇ પટેલથી લઇને, મોહંમદ અલી જિન્નાથી લઇને જવાહરલાલ નહેરુથી લઇને, ઇન્દિરા ગાંધીથી લઇને રાજીવ ગાંધીથી લઇને, રાહુલ ગાંધીથી લઇને, નેતાજી સુભાષચંદ્ર બોઝ સુધીની પાર્ટી છે, જેમનો દેશના વિકાસમાં, દેશની આઝાદીમાં સૌથી મોટું યોગદાન છે એટલે આજે આપણે કોંગ્રેસમાં છીએ.

કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, જ્યારે પહેલી અને અંતિમ વખત હું કોંગ્રેસમાં આવ્યો છું તો પરત જવા માટે નથી આવ્યો. હું કહી શકું છું કે કોઇકનો મજબૂરી રહી હશે નહીંતર આમ જ કોઇ બેવફા નથી બનતું.

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશની છિંદવાડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નકુલનાથ છે જે MP ના મુખ્યમંત્રી કમલનાથના પુત્ર છે. ગત વખતે કમલનાથ મોદી લહેર વચ્ચે પણ આ બેઠક કોંગ્રેસ માટે જીતવામાં સફળ રહ્યાં હતા.  એક સમયે આ બેઠક પરથી દિગ્વિજય સિંહ લડે તેવી સંભાવના હતી પરંતુ કમલનાથે તેમને કોઇ મુશ્કેલ બેઠક પરથી લડવાનો પડકાર આપતાં દિગ્વિજય સિંહને ભોપાલ બેઠક આપવામાં આવી હતી.