દાહોદ સેસન્સ કોર્ટે લાંચિયા ઇન્કમટેક્સ અધિકારીને ફટકારી 4 વર્ષની જેલની સજા

કહેવાય છે ને ‘બુરે કામ કા બુરા નતીજા’, આવું થયું છે એક ઇન્કમટેક્સ ઓફિસરની સાથે. આ ઓફિસરે રેડ દરમિયાન 65 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ ઇન્કમટેક્સ અધિકારીને 65 લાખ રૂપિયા તો ન મળ્યા પરંતુ મળી 4 વર્ષની જેલ.

એક રીપોર્ટ અનુસાર, આજે દાહોદ સેસન્સ કોર્ટ દ્વારા લાંચ લેવાના કેસમાં એક ઇન્કમટેક્સ અધિકારી અને તેના બે સાગરીતોને સજા ફટકારવામાં આવી છે. લાંચિયા ઇન્કમટેક્સ અધિકારીને કોર્ટે ચાર વર્ષની અને તેની સાથે લાંચ સ્વીકારમાં જે બે લોકો હતા તેમને ત્રણ-ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. સમગ્ર મામલે વાત કરવામાં આવે તો 2017માં લીમડી ખાતે આવેલા રણછોડદાસ પેટ્રોલિયમના મલિકને ત્યાં ઇન્કમટેક્સની રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન માલિક પાસેથી ઇન્કમટેક્સ અધિકારી દ્વારા 65 લાખ રૂપિયા લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારે ઇન્કમટેક્સ અધિકારીને પટ્રોલપંપના માલિકે તેઓ હપ્તે-હપ્તે રકમ ચૂકવશે તેવું જણાવ્યું હતું. જેના કારણે લાંચ પેટે પહેલો સાત લાખ રૂપિયાનો હપ્તો ઇન્કમટેક્સના અધિકારીને આપી દેવામાં આવ્યો હતો.

જ્યારે બીજો આઠ લાખનો હપ્તો ચૂકવવાનો સમય આવ્યો ત્યારે પેટ્રોલપંપના માલિક દ્વારા સમગ્ર ઘટનાને લઇને ACBને જાણ કરવામાં આવી હતી. જેના કારણે ઇન્કમટેક્સ અધિકારીને લાંચ લેતા રંગે હાથે પકડવા માટે ACBએ છટકું ગોઠવ્યું હતુ અને જ્યારે ઇન્કમટેક્સ અધિકારીના માણસો પૈસા લેવા માટે આવ્યા ત્યારે તેને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને ઇન્કમટેક્સ અધિકારી સહિત ત્રણેય સામે લાંચ લેવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.