દક્ષિણ ગુજરાતમાં મેઘો મૂશળધાર : વલસાડ-વાપીમાં વરસાદી આફત

  • દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૪૮ કલાક ભારે વરસાદની આગાહી,તંત્ર એલર્ટ પર
  • વાપીમાં સૌથી વધુ ૧૦ ઇંચ તો કપરાડામાં ૮.૧૫ અને વલસાડમાં ૮ ઇંચ વરસાદ નોંધાયો,નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ત્રાહીમામ્‌

વલસાડ,
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને હજી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૪૮ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે સુરત, તાપી,વલસાડ, નવસારી,ડાંગ,ભાવનગર, અમરેલી સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ પ્રમાણએ વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ ૮.૧૫ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ શહેરમાં ૮.૦૯ ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં ૭.૯ ઇંચ વાપીમાં ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

વલસાડના વાપીમાં વરસાદી માહોલથી તારાજીની સ્થિતિ સર્જાઇ છે. વલસાડના અનેક મંદિર અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. વલસાડમાં ભારે વરસાદથી વાપીના મુખ્ય રસ્તા પણ નદીમાં ફેરવાયા હતા. વાપીના ગુંજન, છરવાડા, ટાઉનમાં પાણી ભરાયા હતા. મુંબઈ તરફ જતા વાહનવ્યવહાર અને રેલવે સેવાને અવળી અસર પડી છે. વલસાડ અને વાપીમાં ભારે વરસાદને કારણે મુંબઈ તરફની તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો મોડી દોડી રહી હોવાનું પશ્ચિમ રેલવેએ ટ્‌વીટ દ્વારા જણાવ્યું છે.

વલસાડ જિલ્લાના વાંકલ ગામ નજીક વણજાર ખાડી પરનો એક બાંધકામ હેઠળનો પૂલ તૂટી પડ્યો છે. આ પૂલ વાંકલ અને ફલધરા ગામોને જોડતો હતો. ભારે વરસાદને કારણે તૂટી પડેલો આ પૂલનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે.

મધુબન ડેમના દરવાજા ખોલાતાં નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દમણગંગા બે કાંઠે વહેતા મધુબન ડેમની સપાટી વધીને ૭૪.૨૦ મીટર પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવક થતા સાત દરવાજા ૫.૨૦ મીટર સુધી ખોલી દેવામાં આવ્યાં છે. મધુબન ડેમમાં પાણી છોડવામાં આવતાં તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યાં છે. દમણગંગા નદી બે કાંઠે નદી કિનારાનાં ગામોને સાવચેત રહેવા તંત્રએ સૂચન આપ્યું છે.

વાપીમાં પણ ગઇકાલથી વરસાદ સતત વરસી રહ્યો છે. વાપીની બિલખાડી ઓવરફલો થતાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે. રોડ પરનાં ધસમસતા વરસાદી પાણીમાં વાહનો પર પસાર થતા ૩ બાઇક તણાઇ ગઇ છે. ૪ વાહનો પાણીમાં ફસાતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યાં છે.