દક્ષિણના રાજ્યોમાં પૂરનો કહેર, ત્રણ દિવસમાં ૯૩ના મોત…

કેરળમાં ભારે વરસાદથી ૪૨ના મોત, દક્ષિણ રેલવેએ ૨૦ ટ્રેન રદ્દ કરી…

તિરુવનંથપુરમ,
મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક સહિત દક્ષિણના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે પરિસ્થિતિ વિકટ બની છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદથી આ રાજ્યોમાં ૯૩ લોકોના મોત થઇ ચૂક્યા છે.
ભારે વરસાદ બાદ પૂરને કારણે હજારો લોકો ગુમ થયા છે. કેરળ રાજ્યમાં સૌથી વધારે ૪૨ લોકોના મોત થયા છે. એનડીઆરએફની ટીમ લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડી રહી છે. સેના, નેવી, વાયુસેના સહિત કોસ્ટ ગાર્ડની ૧૭૩ ટીમનું બચાવ અને રાહત કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ હાલત સાંગલી અને કોલ્હાપુર જિલ્લાની છે. ભારતીય નેવીની ૧૨ ટીમ ગુરુવારે રાત્રે સાંગલી પહોંચી. શુક્રવાર રાતથી રાહત કાર્ય ચાલી રહ્યું છે.
મહારાષ્ટ્રના પાંચ પશ્ચિમી જિલ્લામાં પૂરમાં ફંસાયેલા ૨.૮૫ લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા છે. વિભાગીય કમિશ્નર ડૉ. દીપક મ્હેસેકરે જણાવ્યું કે રાજ્ય સરકારે ૭૬ કરોડ રૂપિયા પૂર પીડિતો માટે ફાળવ્યા છે. શહેરોમાં દરેક પીડિત પરિવારને ૧૫૦૦૦ અને ગામમાં ૧૦૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
કર્ણાટકના ૧૫ જિલ્લામાં ભારે વરસાદમાં ફસાયેલા ૮૦ હજાર લોકોને બચાવ્યા છે. તમિલનાડુના નીલગિરી જિલ્લાના એવલાંચિમાં ગુરુવારે ૯૧૧ મિમી વરસાદ પડ્યો. ભારે વરસાદને કારણે ઘણા સ્થળોએ ભૂસ્ખલન થયું. રાજ્ય સરકારે ૧૦૦ કરોડ રૂપિયાની રાહત પેકેજ જાહેર કર્યું છે. કેરળના પલક્કડ ક્ષેત્રમાં ભારે વરસાદના પગલે દક્ષિણ રેલવે બે રૂટોની ૨૦ ટ્રેન રદ્દ કરી છે.
કેરળમાં મૂશળધાર વરસાદનો કહેર હજુ પણ ચાલુ છે. પૂર, ભૂસ્ખલન તથા વરસાદ સંબંધીત ઘટનાઓમાં મરનારની સંખ્યા વધીને ૪૨ થઇ ગઇ છે. જ્યારે ૧ લાખથી વધારે લોકોને રાહત શિબિરમાં રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ સવારે ૭ વાગ્યે મળેલ રિપોર્ટમાં બતાવ્યું કે ૮ ઓગસ્ટથી સતત પડી રહેલા વરસાદથી કોજ્ઞિકોડ અને મલપ્પુરમ જિલ્લામાં ૨૦ અને વાયનાડમાં ૯ લોકોના જીવ ગયા છે. એમણે બતાવ્યું કે રાજ્યમાં ૯૮૮ રાહત શિબિરોમાં ૧,૦૭,૬૯૯ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા છે. વાયનાડથી સૌથી વધારે ૨૪,૯૯૦ લોકોને આ રાહત શિબિરોમાં પહોંચાડાયા છે.
કેરળના ૮ જિલ્લા પૂરગ્રસ્ત છે. મલ્લપુરમ અને વાયનાડમાં હાલત સૌથી ખરાબ છે. અહીં શુક્રવારે ૨૫ જગ્યાઓ પર ભૂસ્ખલન થયું જેમા ૨ જગ્યાએ ૪૦ લોકોના દબાયેલા હોવાની આશંકા છે. વાયનાડમાં ૬ લોકોના મોત થયા છે. અહીં ૬૪ હજાર લોકોને સુરક્ષિત ઘસેડાયા છે. વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુક્રવારે કેરળમાં પૂરની હાલત પર ચર્ચા કરી અને રાજ્યને સંકટનો સામનો કરવા કેન્દ્ર સરકારની મદદ માંગી.
રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીને કાર્યકર્તાઓને પૂર ગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યમાં મદદ કરવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ પોતાના વાયનાડ સાંસદ વાળા ટિ્‌વટર હેન્ડલ પર કહ્યું કે, કેન્દ્ર સરકારે સંભવ તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. કોચ્ચિ આતંરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે પર પાણી ભરાવાથી ફ્લાઇટનું સંચાલન રવિવારે બપોરે ૩ વાગ્યાથી બંધ કરી દેવાયું છે.
દક્ષિણના ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનડીઆરએફની ૮૩ ટીમ રવાના કરી છે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ કહ્યું કે, ગૃહ મંત્રી અમિત શાહ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અને સંબંધિત વિભાગોને નિર્દેશ આપી રહ્યા છે. હવામાન વિભાગે ૬ રાજ્યોમાં મૂશળધાર વરસાદનું એલર્ટ આપ્યું છે. જેમા કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાન સામેલ છે.
કર્ણાટકના સીએમ બીએસ યેદિયૂરપ્પાએ શુક્રવારે કહ્યું કે કેન્દ્રને પૂરની હાલતથી અવગત કરવામાં આવ્યા છે. યેદિયૂરપ્પાએ તમામ મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા મદદની જાહેરાત કરી છે. પૂર્વ સીએમ અને જેડીએસ નેતા કુમારસ્વામીએ જાહેરાત કરી છે કે પાર્ટીના તમામ ધારાસભ્યો પોતાનો એક માસનો પગાર પૂર પીડિતોને દાન આપશે.
ક્યાં કેટલા મોત…
કેરળ ૪૨
મહારાષ્ટ્ર ૨૭
કર્ણાટક ૧૨
તમિલનાડુ ૦૫