ત્રણ પાક. ઉચ્ચ અધિકારીઓને અમેરિકાનો વિઝા આપવા ઈન્કાર

અમેરિકાએ પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના ત્રણ ઉચ્ચ અધિકારીઓ પર વિઝા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ ત્રણ અધિકારીઓને યુએસએ વિઝા આપવા ઈનકાર કરી દીધો છે. તાજેતરમાં અમેરિકામાં વિઝા મુદત સમાપ્ત થયા બાદ પણ પરત નહીં ફરેલા પાકિસ્તાની નાગરિકોને ડીપોર્ટ કરવાના મુદ્દે બન્ને દેશો વચ્ચે વિવાદ વકર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ મંગળવારે સંસદની વિદેશી બાબતોની સ્ટેન્ડંગ કમિટીને ત્રણ અધિકારીઓ ઉપર વિઝા નિયંત્રણ અંગે માહિતી આપી હતી.
જે અધિકારીઓ પર અમેરિકાએ વિઝા નિયંત્રણો લાદ્યા છે તેમાં ગૃહ મંત્રાલયના અધિક સચિવ તેમજ સંયુક્ત સચિવ અને પાસપોર્ટ વિભાગના ડાયરેક્ટર જનરલનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક સમયથી વિઝા અવધિ સમાપ્ત થઈ હોવા છતા વસવાટ કરતા પાકિસ્તાનના નાગરિકોને અમેરિકાએ ડીપોર્ટ કર્યા છે.
અમેરિકાએ ૭૦ જેટલા પાકિસ્તાની નાગરિકોને ડીપોર્ટ કર્યા છે અને પાક. સરકારે જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો હોવાનું કુરેશીએ જણાવ્યું હતું. યુએસ દ્વારા જે પાક. અધિકારીઓ પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે તેઓ અમેરિકાની નીતિની અવગણના કરીને અન્ય દેશમાંથી ડીપોર્ટ કરાયેલા નાગરિકોને સ્વકારતા હોવાનું જણાયું હતું. એક ડેટા મુબજ અમેરિકાએ દોઢ વર્ષમાં ૧૦૦ પાકિસ્તાની નાગરિકોને ડીપોર્ટ કર્યા છે અને આ તમામને અન્ય દેશમાંથી અહીં સ્વકારવામાં આવ્યા હતા.