તેલંગાણામાં ટીડીપીને ઝટકો : ૬૦ નેતાઓ ભાજપમાં જોડાયા

૩૧ ડિસેમ્બર પહેલા ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી જશે : જેપી નડ્ડા

ચન્દ્રબાબુ નાયડૂની તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના લગભગ ૬૦ પ્રમુખ નેતા અને હજારો સમર્થક ભાજપમાં સામેલ થઇ ગયા છે. તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટીની સભ્યતા લીધી હતી. નડ્ડાએ જણાવ્યું હતું કે, સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સપ્ટેમ્બરથી શરૂ થશે અને ૩૧ ડિસેમ્બરથી પહેલા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે.
આ અવસરે જૂન માસમાં ટીડીપી છોડીને ભાજપમાં જોડાયેલા લંકા દિનકરને જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેલંગાણા ભાજપનો સંબંધ છે તો આ ખૂબ જ સારા સંકેત છે. આ તેલંગાણા માટે હકારાત્મક સંકેત છે. ત્રણ તલાક અને આર્ટિકલ ૩૭૦ને હટાવ્યા બાદથી અનેક નવા કાર્યકર્તા પાર્ટી સાથે જોડાયા છે.
જેપી નડ્ડાએ ભાજપના સંગઠનની ચૂંટણીને અંગે કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં દેશભરના ૮ લાખ બૂથ પર ચૂંટણી કરાવવામાં આવશે. ત્યારબાદ ઓક્ટોબરમાં મંડળ સ્તર પર પ્રતિનિધિઓની ચૂંટણી યોજાશે. નવેમ્બરમાં જિલ્લા સ્તરે ચૂંટણી યોજાશે. ૧૫ ડિસેમ્બર સુધી તમામ રાજ્યોમાં સંગઠનની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઇ જશે. ત્યારબાદ ભાજપને ૩૧ ડિસેમ્બર પહેલા નવો રાષ્ટ્રીય અધ્યક્ષ પણ મળી જશે.