‘તેજસ એક્સપ્રેસ’ દેશની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન, સપ્ટેમ્બરથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે…

અમદાવાદ,
હવે અમદાવાદ-મુંબઈ અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે. આ ખાનગી ટ્રેન દિલ્હી-લખનઉ વચ્ચે પણ દોડશે. તેના માટે આઈઆરસીટીસી ૩ વર્ષ માટે દેશની પ્રથમ પ્રાઇવેટ ટ્રેનોનું સંચાલન સોંપશે. હાલ આઈઆરસીટીસીને આ ટ્રેનોમાં ભાડુ નક્કી કરવાની પરવાનગી અપાઈ છે. તેજસ એક્સપ્રેસમાં ટિકિટની તપાસ પણ રેલવે સ્ટાફ નહીં કરે. ખાનગીકરણ પહેલા પરીક્ષણના ભાગરૂપે આઈઆરસીટીસી સંચાલન કરશે. રેલ્વે વિભાગે પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે આ નિર્ણય લીધો છે.
તેજસ એક્સપ્રેસ સપ્તાહમાં ૬ દિવસ ચાલશે. અમદાવાદથી સવારે ૬.૪૦ વાગ્યે ઉપડી અને બપોરે ૧.૧૦ વાગ્યે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈથી બપોરે ૩.૪૦ વાગ્યે ઉપડી અને રાત્રે ૯.૫૫ વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે માર્ગમાં આ ટ્રેન વડોદરા અને સુરત સ્ટેશને રોકાશે.
રેલવેએ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ને અમદાવાદ – મુંબઈ અને નવી દિલ્હી – લખનઉ વચ્ચે આ ટ્રેન દોડાવા માટેની મંજૂરી આપી દીધી છે. ત્રણ વર્ષ બાદ અધિકારીઓ તેની સમીક્ષા કરી જરૂર જણાશે તો કોન્ટ્રાક્ટ આગળ વધારશે.
આ ટ્રેનનું ભાડું ફ્લેક્સી ફેર સિસ્ટમથી વસૂલ કરવામાં આવશે. જ્યારે ટ્રેનમાં કોઈ પણ પ્રકારના કન્સેશન તેમજ ડ્યૂટી પાસને મંજૂરી આપવામાં નહીં આવે. એજરીતે ટ્રેનમાં રેલવેના ટીટીઈ ટિકિટ ચેકિંગ પણ કરશે નહીં.