તારાપુરમાં જમીનનો કબજો લેવા થયેલ તોડફોડ બાબતમાં પીઆઈ ડી.એસ.ગોહિલને સસ્પેન્ડ કરાયા : તપાસના આદેશ

પોલીસે બે જેસીબી મશીનો જપ્ત કરીને બે શખ્સોને અટકાયતમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે…

આણંદ : તારાપુર ચોકડી નજીક આવેલી વિવાદી જમીન અંગેનો કેસ કોર્ટમાં ચાલુ હોવા છતાં તારાપુરનાં તત્કાલીન પી.આઈ અને હાલમાં ખંભાત પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ અને ભરવાડોએ ગત મધ્યરાત્રીનાં બાર વાગ્યાનાં સુમારે વિવાદીત જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનો પર કબ્જો જમાવી દઈ દુકાનોમાંથી માલ સામાનની લુંટફાટ ચલાવી જેસીબી મશીનથી દુકાનો તોડી પાડી નુકશાન કરતા આ બનાવ અંગે દુકાન માલિકો દ્વારા પોલીસ અધિક્ષક સહીત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજુઆત કરતા તારાપુર પોલીસે પી.આઈ સહીત ૧૪ ભરવાડો અને ૫૦ થી ૭૦ વ્યકિતઓનાં ટોળા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા નિઝામપુરામાં સિદ્ધાર્થ નગર સોસાયટીમાં રહેતા રિમાક્ષીબેન ભાવીનભાઈ પટેલની તારાપુર મોટી ચોકડી પાસે પેરેમાઉન્ટ હોટલ પાસે દુકાન આવેલી છે. તેમજ તેમની આસપાસમાં અન્ય દસ લોકોની દુકાનો આવેલી છે.રિમાક્ષીબેન અહિયાં કરીયાણાની દુકાન આવેલી છે, આ જમીનને લઈનેે લઈને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તારાપુર ગામના સર્વે નંબર ૪૬૯ પૈકી ૧માં આવેલી આ ૨૪.૫૦ ગુંઠા જગ્યા ઉપર લાલજીભાઈ રણછોડભાઈ વાળંદની હેરકટીંગ સલુન, યાસીનભાઈ કાસમભાઈ શેખની યાસીન ટ્રાન્સપોર્ટની બે દુકાન, દિલીપભાઈ હેમંતભાઈ વાઘેલાની ભજીયાની દુકાન, મંજુલાબેન જેન્તીભાઈનું દવાખાનુ, બીપીનભાી પટેલનું ટ્રેક્ટરનું ગેરેજ તથા પ્રિતેશભાઈ ધર્મજવાળાની દુકાન આવેલી છે. આ દુકાનો બાબતે આવતીકાલે મુદ્દત પણ છે. આ જમીન વેચાણ રાખનાર ખંભાતના પીઆઈ ડી. એસ. ગોહિલ, માથાભારે ભરવાડો મફતભાઈ ઉર્ફે મફો ડોન વજાભાઈ ભરવાડ, કરમણભાઈ ભરવાડ, ગોવિંદભાઈ નારણભાઈ ભરવાડ, રાજુભાઈ ખેંગારભાઈ ભરવાડ, વિઠ્ઠલભાઈ ભરવાડ, વિજયભાઈ ભોકળવા, મહેશભાઈ ભરવાડ જેસીબીવાળા, કાનજીભાઈ વજાભાઈ ભરવાડ, વિશાલભાઈ ભરવાડ, ગોપાલભાઈ ભરવાડ, કાળુભાઈ ભરવાડ, વિજયભાઈ ભરવાડ અને પુનાભાઈ ભરવાડ સહિત ૫૦ થી ૭૦ જેટલા ભરવાડો હાથમાં લાકડીઓ લઈને આવી ચઢ્યા હતા અને દુકાનોને જેસીબી મશીનથી તોડવાનું ચાલુ કરી દીધું હતુ. જેને લઈને રમાક્ષીબેન તારાપુર ચોકડીએ પહોંચી ગયા હતા જ્યાં ભાઈ આશિષભાઈ અને બીજા દુકાનવાળાઓએ દુકાનો બાબતે તારાપુર સિવિલ કોર્ટમાં દાવો ચાલે છે જેથી નહીં તોડવા માટે પીઆઈ ગોહિલ સહિત ભરવાડોને સમજાવેલા પરંતુ તેમણે દુકાનોની માલિકી અમારી છે, તમારી પાસે કોર્ટનો સ્ટે ઓર્ડર હોય તો લાવો તેમ જણાવીને દુકાનો તોડવાનું ચાલુ કરી દીધું હતુ. રિમાક્ષીબેન તેમજ આશિષભાઈ જેસીબી મશીન આગળ ઊભા થઈ જતાં કેટલાક ભરવાડોએ રિમાક્ષીબેનનો હાથ પકડીને ઢસડીને બહાર કાઢ્યા હતા. આશિષને પણ લાકડીઓથી માર મારીને ત્યાંથી હટાવી દીધો હતો. દરમ્યાન ઘટનાની જાણ તારાપુર પોલીસને થતાં જ પોલીસ પણ આવી ચઢી હતી. ઘટનાની જાણ ડીએસપી અજીત રાજીયનને કરતાં જ તેઓએ તુરંત જ ખંભાતના ડીવાયએસપી તેમજ એલસીબી એસઓજીની ટીમોને તાબડતોબ તારાપુર ચોકડીએ મોકલી આપી હતી. જેને લઈને ભરવાડોમાં નાશભાગ મચી જવા પામી હતી. તમામ શખ્સો દુકાનોની તોડફોડનું કામકાજ અધૂરું મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા. તારાપુરમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ભાઈ-બહેનને માર મારીને દુકાનો જેસીબી મશીનથી તોડીને કબજો લેવાના કરાયેલા પ્રયાસના ગુનામાં પોલીસે બે જેસીબી મશીનો જપ્ત કરીને બે શખ્સોને અટકાયતમાં લઈ તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં રેન્જ આઈજીપીએ ખંભાત પીઆઈ ડી.એસ.ગોહિલને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.