તમામ રેકોર્ડ ધ્વસ્ત, કોરોનાએ આતંક મચાવ્યો : ૨૪ કલાકમાં ૧.૦૩ લાખ કેસ નોંધાયા…

30
તમામ રેકોર્ડ ધ્વસ્ત, એક દિવસમાં પોઝિટિવ કેસોમાં અમેરિકા બાદ ભારત બીજા સ્થાને…
છેલ્લા ૨૪ કલાકમાં ૪૭૭ લોકોના મોત નિપજ્યા, દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૭ લાખને પાર…

ન્યુ દિલ્હી : કોરોના વાયરસની મહામારી વધારેને વધારે ખતરનાક બની રહી છે. ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો જે રીતે વધી રહ્યો છે તે જોતા ચિંતા વધી રહી છે. રવિવારે ભારતમાં કોરોનાના કુલ ૧ લાખ કેસ નોંધાયા છે. અમેરિકા પછી ભારત બીજો દેશ બન્યો છે કે જ્યાં કોરોનાના ૨૪ કલાકમાં ૧ લાખ કરતા વધુ નવા કેસ નોંધાયા છે.
આંકડા પ્રમાણે ભારતમાં કોરોનાના ૧,૦૩,૮૪૪ નવા કેસ રવિવારે નોંધાયા છે. જેમાંથી અડધાથી વધારે માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે, અહીં ૫૭,૦૭૪ નવા કેસ નોંધાયા છે. આ પહેલા પાછલા વર્ષે ૧૭ સપ્ટેમ્બરે દેશના સૌથી વધુ કેસ ૯૮,૭૯૫ નોંધાયા હતા, જેના કરતા રવિવારે ૫૦૦૦ કેસ વધારે નોંધાયા છે.
ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જેની શરુઆત લગભગ ૫૨ દિવસ પહેલા થઈ હતી, જેમાં હવે પહેલી લહેર કરતા વધુ ઊંચા કેસ નોંધાઈ રહ્યા છે. ૭ દિવસમાં સરેરાશ નોંધાતા કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ આંકડો ૧૧ ફેબ્રુઆરીએ ૧૧,૩૬૪ હતો જે વધીને ૪ એપ્રિલના રોજ ૭૮,૩૧૮ થઈ ગયો છે. આ ભારતના કોરોના કાળનો સૌથી મોટો ઉછાળો છે.
નવા કેસના રેકોર્ડ સાથે સોમવારે નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. એક્ટિવ કેસમાં ૫૦,૦૦૦નો વધારો થયો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૭ લાખને પાર થઈ ગયો છે, કોરોનાના એક્ટિવ કેસની સંખ્યાને ૬થી ૭ લાખ થતા માત્ર ૩ દિવસનો સમય થયો છે.
તાજેતરમાં પૂર્ણ થયેલા અઠવાડિયા (૨૯ માર્ચથી ૪ એપ્રિલ) દરમિયાન ૫,૪૮,૬૨૫ નવા કેસ નોંધાયા છે. ૨૮ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર દરમિયાન નોંધાયેલા ૫.૫ લાખ કેસ પછી સૌથી વધુ કેસ અઠવાડિયા દરમિયાન નોંધાયા છે. અગાઉના અઠવાડિયે નોંધાયેલા કેસ કરતા આ વખતે ૧,૫૫,૫૬૯ નવા કેસ નોંધાયા છે. દેશમાં ચાલી રહેલા કોરોનાકાળનો અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે.
કોરોનાના નવા કેસની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ૨૯ માર્ચથી ૪ એપ્રિલ દરમિયાન ૨,૯૭૪ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, આ અગાઉના અઠવાડિયામાં આ સંખ્યા ૧,૮૭૫ હતી. આ અઠવાડિયે કોરોનાના લીધે નોંધાયેલા મૃત્યુ નવેમ્બર ૩૦થી ૬ ડિસેમ્બર પછીના સૌથી વધુ છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં નોંધાઈ રહેલા વધારાની સાથે મૃત્યુઆંક અને એક્ટિવ કેસની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
રવિવારે દેશમાં ૪૭૭ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. પાછલા ૫ દિવસથી દેશમાં ૪૦૦થી વધુ મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે, આ પહેલા શનિવારે ૫૧૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
મહારાષ્ટ્રાં ૫૦,૦૦૦ કરતા વધારે કોરોના કેસ એક દિવસમાં પહેલીવાર નોંધાયા છે. મુંબઈમાં અત્યાર સુધીના સૌથી વધુ ૧૧,૨૦૬ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૩ મિલિનયને પાર કરી ગઈ છે, મહારાષ્ટ્ર પછી ખરાબ સ્થિતિ કેરળમાં છે જ્યાં ૧.૧ મિલિયન કેસ નોંધાયા છે.