તમામ એજન્સીઓ એલર્ટ પર, રાજ્યની તમામ બોર્ડર પર સુરક્ષા સઘન : સીએમ રૂપાણી

હમીરસર અને રૂદ્રમાતા જળાશયો નર્મદાનીરથી ભરવાની સીએમની વિચારણા…

ભુજ,
મુખ્યમંત્રી વિજય રૂપાણી શુક્રવારે કચ્છમાં મેઘોત્સવ મનાવવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એલર્ટને પગલે તમામ એજન્સીએ એલર્ટ છે. ગુજરાતની તમામ બોર્ડર પર સઘન સુરક્ષા છે. કચ્છ સરહદી જિલ્લો છે, હાઈએલર્ટના સંદર્ભમાં સેન્સેટિવ છે. રાજ્ય સરકારે આની ગંભીરતા લઈને બધા પૂરતા પગલા લીધા છે. બધુ હાઈએલર્ટ પર છે. દરમિયાન કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્ર સાથે સવારે બેઠક કરી હતી અને તંત્ર દ્વારા તૈયાર કરાયેલા ‘અછત વ્યવસ્થાપન માર્ગદર્શિકા’ પુસ્તકનું વિમોચન કર્યું હતું.
આ પુસ્તકમાં અછતને લગતી તમામ આંકડાકીય માહિતી સાથે કચ્છમાં છેલ્લાં ૧૦ વર્ષના વરસાદી આંકડાઓ, ઢોરવાડા, ઘાસચારાની વિગતો, પાંજરાપોળ, ઘાસકાર્ડ વિતરણની કામગીરી, સબસિડીને લગતા આંકડા જેવી તમામ બાબતોને આવરી લઇ અછતનો સમગ્ર ચિતાર રજૂ કરાયો છે. વિમોચન બાદ સ્વામિનારાયણ મંદિર-ભુજ ખાતે કચ્છમાં કારમા દુકાળ દરમિયાન તેમના નેતૃત્વમાં તંત્રએ ઘાસ-પાણીની સુચારુ વ્યવસ્થા કરી તે બદલ તેમનું જાહેર અભિવાદન કર્યું હતું. કચ્છમાં થયેલા શ્રીકાર વરસાદને પગલે સ્થાનિક પરંપરા મુજબ મેઘલાડુનો ઉત્સવ પણ ઉજવાયો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ જિલ્લામાં તાજેતરમાં થયેલા વરસાદને પગલે નિવારણ પામેલી અછતની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને કચ્છને અછતમુકત જિલ્લો જાહેર કર્યો હતો. મુખ્યમંત્રીએ ૧૨૧ ચેકડેમો બનાવવા બદલ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની સરાહના કરી હતી. ઉલ્લેખનીય છે કે ‘‘મનરેગા’’ યોજના અન્વયે ચાલુ વર્ષે આ ૧૨૧ ચેકડેમો બનાવાયા છે. જે તમામ ચાલુ વર્ષના વરસાદથી ભરાઇ ગયા છે.
કચ્છની જનતાની લાગણી સાથે જોડાયેલા હમીરસર તળાવ અને રૂદ્રમાતા ડેમને નર્મદાનીરથી ભરવાની રાજય સરકારની વિચારણા મુખ્યમંત્રીએ આ બેઠકમાં દોહરાવી હતી.