ડિપ્રેશનને અવગણી ન શકાય, કેમ કે એ કોઈનું પણ કરિયર બરબાદ કરી શકે છે : કોહલી

7

એક સમય હતો, જ્યારે હું મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો…

અમદાવાદ : નિયાના દિગ્ગજ બેટસમેનમાં સામેલ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પણ એક સમયે ડિપ્રેશનથી ઝઝૂમી રહ્યો હતો. વિરાટે કહ્યું કે ૨૦૧૪ની સાલમાં જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમ્યાન તેનું ખરાબ પ્રદર્શન રહ્યું અને સતત અસફળ રહ્યો હતો ત્યારે તેને લાગવા લાગ્યું હતું કે તે દુનિયામાં એકલો છે.
ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી માર્ક નિકોલ્સની સાથે વાતચીતમાં વિરાટે માન્યું કે તે એ સમયગાળા દરમ્યાન પોતાની કેરિયરના મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે તે કયારેય ડિપ્રેશનમાં રહ્યો છે? તો તેણે કહ્યું કે હા મારી સાથે આવું થયું હતું. આ વિચારીને સારું નહોતું લાગતું કે તમે રન બનાવી શકતા નથી અને મને લાગે છે કે બધા બેટસમેનને એક સમયે તો એવું મહેસૂસ થાય છે જ કે તમારું કોઇ વસ્તુ પર કયારેય નિયંત્રણ નથી.
કોહલી માટે ૨૦૧૪નો ઇંગ્લેન્ડ પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો. તેમણે પાંચ ટેસ્ટ મેચોની ૧૦ ઇનિંગ્સમાં ૧૩.૫૦ની સરેરાશથી રન બનાવ્યા હતા. તેનો સ્કોર ૧, ૮, ૨૫, ૦, ૩૯, ૨૮, ૦૭, ૬, અને ૨૦ રન હતો. ત્યારબાદ ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં તેમણે ૬૯૨ રન બનાવીને શાનદાર વાપસી કરી હતી.
કોહલીએ ઇંગ્લેન્ડના પ્રવાસ અંગે કહ્યું કે તમને ખબર નથી હોતી કે તેને કેવી રીતે પાર પાડવાનું છે. આ એ સમય હતો જ્યારે હું વસ્તુઓને બદલવા માટે કંઇ કરી શકતો નહોતો. મને એવું મહેસૂસ થતું હતું કે હું દુનિયામાં એકલો જ છું.
૩૨ વર્ષના કોહલીએ યાદ કર્યું કે તેની જિંદગીમાં તેને સાથ આપનાર લોકો હતા પરંતુ તે ત્યારે પણ એકલો મહેસૂસ કરી રહ્યો હતો. તેણે કહ્યું કે હું એમ નથી કહેતો કે મારી સાથે વાત કરવા માટે કોઇ નહોતું પરંતુ વાત કરવા માટે કોઇ પ્રોફેશનલ નહોતું જે સમજી શકે કે હું કયાં સમયમાંથી પસાર થઇ રહ્યો છું. મને લાગે છે કે આ બહુ મોટું કારણ હોઇ શકે છે.
ઇન્ટરનેશનલ કેરિયરમાં અત્યાર સુધી ૭૦ સદી ફટકારનાર ભારતીય કેપ્ટનનું માનવું છે કે માનસિક સ્વાસ્થ્યના મુદ્દાને નજરઅંદાજ કરી શકાય નહીં. કારણકે તેનાથી કોઇ ખેલાડીની કેરિયર બરબાદ થઇ શકે છે. કોહલીએ કહ્યું કે જીવનમાં એવી વ્યક્તિ હોવી જોઇએ જેની પાસે કોઇપણ સમયે જઇને તમે કહી શકો કે સાંભળો હું આવું મહેસૂસ કરી રહ્યો છું. મને ઉંઘ આવતી નહોતી. મને સવારે ઉઠવાનું ગમતું નહોતું. મને પોતાના પર વિશ્વાસ નહોત કે હું શું કરું.