ડાયમંડ ક્ષેત્રે સહકાર માટે સીએમ રૂપાણીએ યાકુટિયાના ગવર્નર સાથે કરાર કર્યા…

મૉસ્કો,
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના રશિયા પ્રવાસના બીજા દિવસે રશિયાના યાકુટિયા રિજિયનના ગવર્નર સાથે રફ ડાયમંડ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ માટે કરાર કર્યા છે. આ કરારના કારણે રશિયા અને સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે નવી તકો ઊભી થશે. રશાયના ફાર ઈસ્ટ રિજિયન અને ગુજરાત ડાયમંડ સેક્ટર જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ, પ્રોડક્શન અને પ્રોસેસિંગ તથા સ્કીલ્ડ લેબર નિર્માણ કરવાની દિશામાં સાથે મળીને સક્રિય થઈ શકશે. ઈન્ડિયા-રશિયા કો-ઓપરેશન ઈન ધ રશિયન ફાર ઈસ્ટ સેમિનારમાં આ સમજૂતી કરાર કરાયા હતા.
આ કરારના કારણે ગોલ્ડ અને ડાયમંડ માઇનિંગ, મેટલ સાયન્સ, નેચરલ રિસોર્સિસના ઉપયોગ માટે અદ્યતન ટેકનોલોજી અને આધુનિક ઉપકરણોના નિર્માણ ક્ષેત્રમાં રશિયાનો અનુભવ ભારત-ગુજરાતની કંપનીઓ માટે ઉપયોગી નીવડશે. વિશ્વના બજારમાં આવતા કુલ રફ ડાયમંડમાંથી ૩૩ ટકા રફ ડાયમંડ રશિયામાંથી આવે છે, જેની સામે વિસ્વમાં રફ ડાયમંડ ઘસીને પાસા પાડવાની ૮૦ ટકા કામગિરી ગુજરાતમાં થાય છે. રફ ડાયમંડ પર પ્રોસેસ થયા પછી ૯૫ ટકા નિકાસ ભારતમાંથી થાય છે.
ડાયમંડ કટિંગ અને પોલિશિંગના વિશ્વના સૌથી મોટા હબ ગણાતા સુરતને ધ્યાનમાં રાખીને આ કરાર કરવામાં આવ્યો છે. હીરાના વેપારમાં ગુજરાતનો ભારતના જીડીપીમાં ૮ ટકા હિસ્સો છે. ઔદ્યોગિક આઉટપુટમાં ૧૭ ટકા અને દેશની કુલ નિકાસમાં હિરા ઉદ્યોગ ૨૦ ટકા જેટલું યોગદાન આપે છે.