ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા યુવકને બચાવાયો, ઘટના સીસીટીવીમાં કેદ

(જી.એન.એસ.)સુરત,તા.૧૬
સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૨ પર એક યુવક દોડતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યુવકનો પગ લપસી જતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ઢસડાઈને ફસતો જઈ રહ્યો હતો. દરમિયાન પ્લેટફોર્મ પર હાજર એક રેલવે પોલીસ કર્મી શિવ ચરણ મીણાનું ધ્યાન જતા બચાવવા માટે દોડી ગયો હતો. યુવક ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જતા અન્ય યુવકો પણ દોડી આવ્યા હતા. દરમિયાન આ ઘટનાની જાણ થતા ટ્રેનનું ચેઈન પુલિંગ કરી ટ્રેન રોકી દેવામાં આવી હતી. અને યુવકે બચાવવામાં આવ્યો હતો.
ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા યુવકનું નામ તુષાર પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. તુષાર પટેલ સુરતથી નવસારી જવા માટે ચાલું ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતો હતો. દરમિયાન આ આખી ઘટના બની હતી. અને પ્લેટફોર્મ નંબર -૨ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તુષાર પટેલે રેલવે પોલીસ કર્મી અને અન્ય યુવકોનો આભાર માન્યો હતો. જ્યારે યુવકને બચાવવા દોડી ગયેલા પોલીસ કર્મી અને તેને મદદ કરનાર અન્ય યુવકોની લોકોએ પ્રશંસા કરી હતી.