ટ્રાફિક નિયમ તોડવા બદલ પ્રથમ દિવસે રૂ. ૭ લાખનો દંડ વસૂલાયો…

પીયુસી કઢાવવા ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય છતાં બે વ્યક્તિને દંડ ફટકાર્યો…

હેલ્મેટ ન પહેરવા બદલ ૬૨૨ લોકો દંડાયા, સીટ બેલ્ટ વગરના લોકોને ૧.૧૩ લાખનો દંડ…

અમદાવાદ : સોમવારથી રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો અમલી બની ગયા છે. જેમાં રાજ્યભરમાં ટ્રાફિક નિયમો ન પાળનારાઓ સામે ટ્રાફિક પોલીસે હળવી કામગીરી કરી હતી. પોલીસે લોકો ભયમાં ન મૂકાય તે રીતે રૂટિન કામગીરી કરી હતી. નવા દંડની જોગવાઇના અમલીકરણના પહેલા દિવસે ટ્રાફિક પોલીસે કુલ અલગ અલગ પ્રકારના ૧૯૦૦ કેસ કરી સાત લાખથી વધુનો દંડ વસૂલ્યો હતો.
ટ્રાફિકના નિયમો ન પાળનારા લોકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરતા ક્યાંક આ નિયમોને લઈને નારાજગી પણ જોવા મળી હતી. અમદાવાદ ખાતે પોલીસે પ્રથમ દિવસે રૂ. ૭ લાખ ૨ હજારનો દંડ વસૂલ્યો હતો. ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારના ૧૯૦૦ પોલીસે કેસ કરવામાં આવ્યા હતા. આ કેસમાં મુખ્યત્વે ટ્રાફિક સાઈન ભંગના ૪૯ કેસ, ગેરકાયદે પાર્કિંગના ૩૯૮ કેસ, હેલ્મેટ ન પહેરવાના ૬૨૨ કેસ, સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેવા ૨૨૬ કેસ, ડાર્ક ફિલ્મના ૪૮ કેસ, ત્રણ સવારી ૩૬૨ કેસ, લાઇસન્સ વગરના ૫૦ કેસ કરાયા હતા. વાહનચાલકોને પીયુસી કઢાવવા માટે ૩૦ સપ્ટેમ્બર સુધીનો સરકાર દ્વારા સમય આપવામાં આવ્યો છે. છતાં પણ સોમવારે સરકારના આદેશની પોલીસે ઐસી કી તૈસી બે વ્યક્તિઓ પાસેથી પીયુસી ન રાખવા બદલ ૫૦૦-૫૦૦ રૂપિયાનો દંડ વસુલ્યો હતો.
નવા નિયમો અમલી બન્યા છે ત્યારે સરકારી કર્મીઓ નિયમો પાળવામાં પાછળ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસ વિભાગમાં નોંધાયેલા આંકડા પ્રમાણે તા.૭થી૧૪ સપ્ટેમ્બર સુધીમાં ૧૨૪ સરકારી કર્મીઓ દંડાયા હતા. સરકારી કર્મીઓ પાસેથી ૧૩,૧૦૦ રૂપિયાનો દંડ વસૂલાયો હતો. ટ્રાફિક વિભાગે જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ હળવી રીતે લોકો પાસેથી ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડની વસૂલાતની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.