ટોળામાં ઉભા રહેવું તો સહેલું છે, કપરું તો એકલા ઉભા રહેવાનું છે

આપણે ત્યાં બીજા કરતા જુદુ વિચારનાર અથવા અલગ પડી જીવનારને પણ આપણે પસંદ કરતા નથી. જેવુ બધા જ વિચારે છે અને બીજા જેવુ જ જીવે છે, તે વ્યકિત બધાને સ્વીકાર્ય હોય છે. પણ આપણી સામે આવેલી સ્થિતિમાં આપણે બીજા કરતા જુદા પડી કોઈક નવો વિચાર મુકીએ તો તરત આપણી આસપાસનું ટોળુ તમને પોતાનાથી માત્ર  શારિરીક નહીં પણ તમામ સ્તરે અળગા કરી નાખશે. આવું તો થઈ શકે, વર્ષોથી આવુ જ ચાલે છે તમે નવાઈના બધુ બદલવા નિકળ્યા છો વગેરે વગેરે  વાત સાથે તેઓ તમારી વાતનું ખંડન કરવા લાગશે. ટોળામાં રહેવુ સહેલુ છે અને તેમા તમારી કોઈ જવાબદારી પણ નથી. કારણ ટોળાને વ્યકિતગત મત હોતો નથી. બધા જ વિચારે છે તેવુ ટોળુ વિચારે છે અને ટોળા દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં કોઈ એકની કોઈ જવાબદારી બનતી નથી એટલે મોટા ભાગના લોકો ટોળામાં જ રહેવાનું પસંદ કરે છે.

જે ટોળાથી વિખુટો પડે છે. હવે તેનું સારૂ થશે ખરાબ થશે તેની તમામ જવાબદારી તેની પોતાની હોય છે, મોટા ભાગના કિસ્સામાં ટોળાની વિખુટા પડનારે કિમંત ચુકવવાની હોય છે કારણ તે પોતાને જે સાચુ લાગે છે તેવું બોલે છે અને તેને સાચુ લાગે તેવુ જીવે છે. ટોળાની વ્યકિતગત જીંદગી હોતી નથી કારણ ટોળામાં રહેનાર બીજો શું કહેશે તેવુ માની પોતાની જીંદગીના નિયમો નક્કી કરતો હોય છે.  જયારે ટોળાથી અલગ ઉભો રહેનાર માણસ ટોળાની અને સ્થિતિની પરવા કર્યા વગર તેને જે યોગ્ય લાગી રહ્યુ છે તેવી જીંદગી પસંદ કરે છે. આમ તો સત્યને પણ સંખ્યાની જરૂર હોય છે તે વાત સાચી હોવા છતાં જે એકલો છે તે સત્યથી દુર અથવા સત્ય તેનાથી દુર છે તેવુ કહી શકાય નહીં. સંખ્યા વગરના સત્યને પરિણામ સુધી પહોંચતા કદાચ વર્ષો નિકળી જાય છે પણ છતાં આપણે ત્યાં અનેક લોકો એકલા ઉભા રહેવાનું પસંદ કરે છે.

ઘરથી લઈ દેશ સુધી બધે જ સરખી સ્થિતિ છે. ભાઈ રાત્રે એક વાગે આવી શકે તો હું કેમ રાત એક વાગ્યા સુધી બહાર રહી શકુ નહીં તેવો સરળ પ્રશ્ન પુછનાર દિકરી જયારે આવો પ્રશ્ન પોતાના માતા પિતાને પુછે છે ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરાને પડકારી રહી છે, દેશની કરોડો છોકરીએ માતા પિતા કહે છે તેવી જીંદગી પસંદ કરે છે, પણ લાખે બે-ચાર છોકરીઓ બીજા કરતા કઈક જુદુ વિચારે છે. દક્ષિણ આફ્રિકા ગયેલા મહાત્મા ગાંધી પહેલા ગોરાએ હજારો કાળાઓને ટ્રેનમાંથી ઉતારી દીધા હતા, પણ કાળાઓના ટોળાએ આ અપમાન સ્વીકારી લીધુ હતો પણ એક વ્યકિતને તેનું માઠુ લાગે છે અને એક વ્યકિતએ ટોળા કરતા જુદુ વિચાર્યુ કે આવુ અપમાન કેમ થાય છે અને તેના ટોળા કરતા જુદા વિચારે આંધી સર્જી અને તે આઝાદીની આંધી આફ્રિકાથી લઈ ભારત સુધી આવી હતી, આમ ગાંધીએ બીજા કરતા જુદુ વિચાર્યુ અને તેમણે ડરપોક ટોળા સાથે  ઉભા રહેવા કરતા હિમંતપુર્વક એકલા ઉભા રહેવાનું પસંદ કર્યુ હતું.

ગુજરાતમાં ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે એવી ફરિયાદ મળતી કે મહિલાઓ જયારે ઘરેલુ હિંસાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જાય છે ત્યારે પુરૂષ પોલીસ અધિકારીઓ તેમની ફરિયાદ સાંભળતા નથી અને મહિલાઓની ફરિયાદ નોંધાતી નથી. જેના કારણે ગુજરાતમાં પહેલી વખત મહિલા પોલીસ સ્ટેશનનો ખ્યાલ આવ્યો જેમાં પોલીસ ઈન્સપે્કટરથી લઈ કોન્સટબેલ સુધી તમામ પોલીસ સ્ટાફ મહિલાનો જ હોય આ ઘટનાને ત્રીસ વર્ષ થઈ ગયા, હવે ગુજરાતના તમામ મોટા શહેરોમાં મહિલા પોલીસ સ્ટેશન છે અને તેનો સ્ટાફ પણ મહિલા પોલીસનો છે. પણ જે ફરિયાદ ત્રીસ વર્ષ પહેલા હતી તેમાં કોઈ સુધારો આવ્યો નહીં, તો આવુ કેમ થયુ ફરિયાદ કરનાર પણ મહિલા હોય અને ફરિયાદ નોંધનાર પોલીસ અધિકારી પણ મહિલા હોય તો તકલીફ કયાં થઈ રહી છે.

આવું એટલા માટે થયુ કે પોલીસમાં જોડાયા પછી મહિલા પોલીસ અધિકારીએ પોલીસ તરીકે વિચારવાનું હતું પણ તેમણે પોલીસ તરીકે વિચારવાને બદલે સ્ત્રી તરીકે વિચારવાનું પસંદ કર્યુ જેના કારણે કોઈ સ્ત્રી પોલીસમાં ફરિયાદ કરવા આવે કે મારો પતિને મને ફટકારે છે અને મારે મારા પતિ વિરૂધ્ધ ફરિયાદ આપવી છે ત્યારે તે મહિલાની ફરિયાદ નોંધવાને બદલે મહિલા પોલીસ અધિકારીને મેં કહેતા સાંભળ્યા છે લે તેમાં પતિ સામે ફરિયાદ શુ કરવાની પતિ તો મારે, મને પણ મારો પતિ મારે આમ પોલીસમાં જોડાય પછી પણ પોતે સ્ત્રી હોવાને કારણે પોતાના પતિને મારવાનો અધિકાર છે તેવુ ખુદ મહિલા પોલીસ અધિકારી માને તો બીજાને કેવી રીતે તે મદદ કરી શકે, આવુ 2002માં થયુ ગોધરા સ્ટેશન ઉપર હિન્દુઓની સળગાવી દિધા પછી હિન્દુમાં આક્રોશ હતો, અમદાવાદ વડોદરા અને સુરત જેવા શહેરમાં હિન્દુઓના ટોળા રસ્તા ઉપર હતા.

ટોળાએ કાયદોમાં હાથમાં લીધો અને હિંસા ફાટી નિકળી, આ બધુ થયુ ત્યારે ત્યાં પોલીસ હતી, પણ ખાખી કપડામાં રહેલા પોલીસ અધિકારીઓ પણ પોલીસને જેમ વિચાર અને વ્યવહાર કરવાને બદલે હિન્દુઓનું ટોળુ જે પ્રકારની લાગણી અનુભવી રહ્યુ હતું તેવી જ લાગણી અનુભવી રહ્યા હતા જેના કારણે પોલીસની હાજરીમાં હિંસાનો તાંડવ થયો, બધા પોલીસે આવુ કર્યુ તેવુ નથી, અમદાવાદમાં આઈપીએસ અધિકારી શીવાનંદ ઝા અને વી એમ પારઘી અને ભાવનગરમાં રાહુલ શર્મા જેવા પોલીસ અધિકારી હતા, જેમણે જન્મે હિન્દુ હોવા છતાં હિન્દુ તરીકે વિચાર કરવાને બદલે પોલીસ તરીકે  વિચાર કર્યો અને તે પ્રમાણે કામ પણ કર્યુ હતું, પણ ટોળા કરતા અલગ વિચારવુ અને એકલા ઉભા રહેવાનું ખુબ મુશ્કેલ હોય છે જે બધાને માટે શકય પણ હોતુ નથી, કારણ એકલા ઉભા રહેવાની હિમંત પણ હોવી જોઈએ અને કિમંત ચુકવવાની તૈયારી પણ હોવી જોઈએ.

જે લોકો એકલા  ઉભા રહી શકતા નથી, તેમને પણ ખબર હોય છે કે એકલો ઉભો રહેનાર તેમના કરતા બહાદુર છે, પણ તેઓ જાહેરમાં તેમની કદર કરી શકતા નથી અને પોતે ડરપોક છે તેવુ કબુલ કરી શકતા નથી ત્યારે એકલો ઉભો રહેનાર પાગલ અને મુર્ખ  છે તેવો આરોપ મુકે છે.