ટીપે ટીપે સરોવર ભરાયું : ધૈર્યરાજસિંહ માટે ૨૩ દિ’માં ૧૬.૫૦ કરોડનું દાન મળ્યું…

33
માનવતા મહેંકી : ૧૬ કરોડના ઈન્જેક્શનની રકમ એકઠી થઈ ગઈ, વધુ એક ઈન્જેક્શન અને ફી મળી એકાદ કરોડ જેટલી રકમ ઘટે છે : એકલા રાજકોટમાંથી જ દોઢ કરોડનું દાન થયું : હવે ટૂંક સમયમાં ધૈર્યરાજને હિન્દુજા હોસ્પિટલમાં ખસેડાશે…

મહીસાગર : કોઈ વ્યક્તિ તકલીફમાં હોય અને તે તકલીફ દૂર કરવા માટે ખાસ કરીને નાણાંની જરૂર પડે એટલે ગુજરાતીઓ હંમેશા અવ્વલ જ રહેતા હોય છે અને તેમની તોલે દેશ-વિશ્ર્‌વનું એક પણ શહેર કે રાજ્ય આવી શકે નહીં તે સો આના સાચી વાત છે. આવું જ માનવતાને મહેકાવી દેતું વધુ એક કાર્ય ગુજરાતમાં થવા પામ્યું છે.

આજથી ૨૩ દિવસ પહેલાં મહીસાગર જિલ્લાના કનેસર ગામમાં જન્મેલા ૩ મહિનાના ધૈર્યરાજસિંહ રાજદીપસિંહ રાઠોડ નામના નવજાતને એસ.એમ.એ.૧ નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું હતું. આ બિમારીમાંથી સાજા થવા માટે ધૈર્યરાજસિંહ માટે વિદેશથી એક ઈન્જેક્શન મંગાવવું પડે તેમ હતી અને આ ઈન્જેક્શન ૧૬ કરોડની કિંમતનું હોવાથી ધૈર્યરાજસિંહના માતા-પિતા તેને ખરીદી શકે તેવી સ્થિતિમાં નહોતા એટલા માટે તેમણે લોકો પાસેથી ઈન્જેક્શનની રકમનું દાન કરવા હાકલ કરી હતી. આ હાકલ સોશ્યલ મીડિયા પર વાયુવેગે પ્રસરી જતાં માત્ર ૨૩ દિવસમાં જ ૧૬.૫૦ કરોડ રૂપિયાનું દાન એકઠું થઈ ગયું છે. ઈન્જેક્શન જેટલી રકમ તો એકઠી થઈ ગઈ પરંતુ હજુ એક ઈન્જેક્શન અને અન્ય પ્રક્રિયા માટે એક કરોડ રૂપિયાની જરૂર હોય તે દાન થાય તેની રાહ જોવાઈ રહી છે.