ટાટા મોટર્સની સૌથી વધારે વેચાતી કારનું થશે વેચાણ બંધ, જાણો કારણ

દેશની જાણીતી મોટર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી બાદ હવે ટાટા મોટર્સ પણ ડીઝલ કારોનું વેચાણ બંધ કરવાની તૈયારીમાં છે. કંપની તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન અનુસાર, વધારે ખર્ચને જોતા એમિશન નોર્મ્સના હિસાબે ડીઝલ એન્જિનને બનાવવું હવે ફાયદાકારક નહીં હોય કારણ કે તેનાથી ગાડીઓના ભાવ વધશે અને તેને લીધે માર્કેટમાં તેની માગ ઓછી થશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા મારૂતિ સુઝુકીએ જાહેરાત કરી હતી કે તે એપ્રિલ 2020 થી ભારતમાં ડીઝલ કારોનું વેચાણ બંધ કરશે. જો કે દેશની બીજી સૌથી મોટી કાર કંપની હુન્ડાઇ મોટર ઇન્ડિયા ઉપરાંત ટોયોટો મોટર અને ફોર્ડ મોટરની લોકલ યુનિટ્સનું કહેવું છે કે નવા એમિશન નોર્મ્સના પાલનના ખર્ચમાં વધારો થાય તો પણ તેઓ ભારતમાં ડીઝલ કારોનું વેચાણ કરતું રહેશે.

ટાટા મોટર્સના પેસેન્જર વેહીકલ બિઝનેસ યુનિટના હેડ મયંક પારીકે કહ્યું કે એમિશન નિયમો લાગુ થયા બાદ નાની ડીઝલ કારોનો ઉત્પાદન ખર્ચ વધી જશે. એવામાં ખર્ચ વધવાને કારણે સ્વાભાવિક છે કે કારોના ભાવ પણ વધારવા પડશે જેને લીધે માર્કેટમાં ડિમાન્ડ ધટવાનો પણ ડર છે, અમને લાગે છે કે એન્ટ્રી અને મીડ સાઇઝની કારની માગ ધટવાને કારણે ઓછી કેપિસીટીના ડીઝલ એન્જિન બનાવવાંમાં વધારે પૈસા લગાડવાં યોગ્ય નથી.