ટાટા ટેલીના મર્જર માટે એરટેલે રૂ. 7,200 કરોડની બેન્ક ગેરંટી આપવી પડશે

  • દૂરસંચાર મંત્રી મનોજ સિંહાએ 9 એપ્રિલે મર્જરને શરતી મંજૂરી આપી હતી
  • એરટેલે ઓક્ટોબર, 2017માં ટાટા ટેલિસર્વિસિઝ ખરીદવા જાહેરાત કરી હતી
  • એનસીએલએટીએ જાન્યુઆરીમાં મર્જરના પ્રસ્તાવને લીલી ઝંડી આપી હતી

બિઝનેસ ડેસ્ક. દૂરસંચાર વિભાગે ભારતી એરટેલમાં ટાટા ટેલિ સર્વિસિઝના મર્જરને મંજૂરી આપી છે. તેના માટે એરટેલને રૂ. 7,200 કરોડ બેન્ક ગેરંટી પેટે જમા કરાવવા કહ્યુ છે. ડોટના અધિકારીએ જણાવ્યા પ્રમાણે, દૂરસંચાર મંત્રી મનોજ સિંહાએ 9 એપ્રિલના મર્જરને શરતી મંજૂરી આપી હતી.

ટાટા ટેલીના તમામ ગ્રાહક એરટેલના ગ્રાહક બનશે

1.ટાટા ટેલી પર સરકારના બાકી લેણાં છે. એરટેલે ઓક્ટોબર, 2017માં ટાટા ટેલિસર્વિસિઝ ખરીદવા જાહેરાત કરી હતી. બંને કંપનીઓના બોર્ડ અને રેગ્યુલેટરની મંજૂરી બાદ એનસીએલએટીએ જાન્યુઆરીમાં મર્જરના પ્રસ્તાવને લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ માત્ર ડોટની મંજૂરી બાકી હતી.
2.ડીલની શરતો અનુસાર, એરટેલ 19 ટેલિકોમ સર્કિલમાં ટાટાનો મોબાઈલ બિઝનેસ હસ્તગત કરશે. મોબાઈલ બિઝનેસમાં તેની બે કંપનીઓ છે. ટાટા ટેલિસર્વિસિઝ અને ટાટા ટેલી મહારાષ્ટ્ર. ટાટા ટેલિસર્વિસિઝનું ઓપરેશન 17 સર્કિલમાં અને ટાટા ટેલિ મહારાષ્ટ્રનું 2 સર્કિલમાં છે.
3.ટાટાના સ્પેક્ટ્રમના દેવાં પણ બાકી છે.જે એરટેલ ચૂકવવા સહમત થઈ છે. ડીલથી 1800, 2100 અને 850 મેગાહર્ટ્ઝ બેન્ડમાં એરટેલને કુલ 178.5 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ મળશે. જેનો ઉપયોગ 4જીમાં થાય છે. ટાટા ટેલિના તમામ ગ્રાહક એરટેલના ગ્રાહક બનશે. ભારતમાં હાલ એરટેલ બીજા નંબરની સૌથી મોટી કંપની છે.