ઝૂંપડપટ્ટીનાં બાળકોનો સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપઃ ફાઇનલ મેચ લોર્ડ્સમાં રમાશે

ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકો અત્યાર સુધી શેરી-ગલીમાં જ ક્રિકેટ રમતાં હતાં. હવે તેઓ માટે વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે. આ સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપ ૩૦ એપ્રિલથી ૮ મે દરમિયાન ઈંગ્લેન્ડમાં રમાશે, જેમાં સાત દેશની આઠ ટીમ ભાગ લઈ રહી છે. આ આઠ ટીમમાં ભારતની બે ટીમ છે. સ્ટ્રીટ ચાઇલ્ડ વર્લ્ડકપની ફાઇનલ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં ૮ મેએ રમાશે.

ભારતની બે ટીમ-ઇન્ડિયા નોર્થ અને ઇન્ડિયા સાઉથ આ વર્લ્ડમાં હિસ્સો લેશે. આ મિક્સ્ડ જેન્ડર ટૂર્નામેન્ટ છે, તેથી છોકરા-છોકરીઓ એક જ ટીમમાંથી રમતાં જોવા મળશે. એક ટીમમાં આઠ ખેલાડી હશે, જેમાં ચાર છોકરા અને ચાર છોકરી હશે. ઇન્ડિયા સાઉથની ટીમમાં મુંબઈ અને ચેન્નઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા ખેલાડી સામેલ છે.

મુંબઈના માનખુર્દ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી શમા અને ભવાની કહે છે, ”એવું પહેલી વાર બનશે કે અમે છોકરાઓ સાથે રમીશું. હું મારો અનુભવ અન્ય છોકરીઓ સાથે શેર કરીશ. હજુ પણ ઘણાં મા-બાપ છોકરીઓને ઘરની બહાર નીકળવા દેતાં નથી. હું નસીબદાર છું કે મને ઈંગ્લેન્ડમાં જઈને રમવાની તક મળી રહી છે. અમે હવે લંડન જઈ રહ્યાં છીએ ત્યારે આશા છે કે છોકરા પણ છોકરીઓ સાથે એક જ ટીમમાંથી રમવા ઇચ્છશે. છોકરા પોતાની બહેનોને રમવા માટે પ્રોત્સાહિત કરશે.” આ જ વિસ્તારના મણિરત્નમ્ અને ઇરફાન પોતાના સાથી ખેલાડીઓને પ્રેક્ટિસમાં મદદ કરે છે. ઇન્ડિયા નોર્થ ટીમમાં દિલ્હી અને કોલકાતાની શેરીઓમાં રહેતાં બાળકો સામેલ હશે.

ચેન્નઈની નાગલક્ષ્મી, મોનિશા, પોલરાજ અને સૂર્યપ્રકાશ ઇન્ડિયા સાઉથ ટીમમાં છે. નાગલક્ષ્મીને ક્રિકેટ રમવું એટલું પસંદ છે કે તે નારિયેળીની ડાળીનો બેટ તરીકે ઉપયોગ કરે છે. તે કહે છે, ”આ પરફેક્ટ નથી, પરંતુ ગલી ક્રિકેટ માટે યોગ્ય છે.” જ્યારે પોલરાજ ધોનીનો બહુ જ મોટો ચાહક છે. તે ધોની જેવો હેલિકોપ્ટર શોટ પણ ફટકારી શકે છે.

૨૦ બોલની મેચ
ઝૂંપડપટ્ટી અને ફૂટપાથ પર રહેતાં બાળકો માટે કામ કરતી સંસ્થા સ્ટ્રીટ ચાઇલ્ડ આ વર્લ્ડકપનું આયોજન કરી રહી છે. આ સંસ્થા સાથે જોડાયેલી એનજીઓએ પોતપોતાના વિસ્તારમાં સિલેક્શન ટ્રાયલ કરી હતી. એ ટ્રાયલ છ મહિના ચાલી હતી. ત્યાર બાદ ટીમની પસંદગી કરવામાં આવી. એક મેચ ૨૦ બોલની હશે.

બધી જ મેચ ટેનિસ બોલથી રમાશે. ફાઇનલ તા. ૮ મેએ લોર્ડ્સ પર રમાશે. આ બાળકોને IPLની ટીમ રાજસ્થાન રોયલ્સ પાસેથી ઘણું શીખવાની તક મળી છે.

ભારતની આ બંને ટીમના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી અને મિતાલી રાજ છે. મિતાલીએ કહ્યું, ”મને ટીમ ઈન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર રૂપમાં સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વર્લ્ડકપ સાથે જોડાવાની ખુશી છે.”