જૈશ-ઉલ-હિંદે લીધી મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક મુકવાની જવાબદારી…

21

પૈસા ટ્રાન્સફર કરી દો,મોસાદ પણ અમારું કશું બગાડી શકે એમ નથી…

મુંબઇ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા બહાર વિસ્ફોટક ભરેલી ગાડી પાર્ક કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિંદે લીધી છે. સંગઠને આ સંબંધિત પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકી છે. થોડા દિવસ પહેલાં આ જ સંગઠને દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસી પાસેના બ્લાસ્ટની જવાબદારી પણ લીધી હતી. જોકે મુંબઈ પોલીસે આ દાવાનો ખુલાસો કર્યો નથી.
આતંકી સંગઠને પોતાની પોસ્ટમાં ઈન્ટેલિજન્સ એજન્સીને ચેલેન્જ કરી છે અને પૈસાની ડિમાન્ડ પણ કરી છે. તેમાં લખ્યું છે, આ માત્ર ટ્રેલર છે અને પિક્ચર હજી બાકી છે. રોકી શકો તો રોકી લો. તમે કશું નહતા કરી શક્યા જ્યારે અમે તમારા દિલ્હીમાં હિટ કરી શક્યા હતા. તમે મોસાદ સાથે હાથ મિલાવ્યો, પરંતુ કશું ના થઈ શક્યું. તમને ખબર છે તમારે શું કરવાનું છે. બસ પૈસા ટ્રાન્સફર કરી દો જે તમને પહેલાં પણ કહેવામાં આવ્યું હતું.
ઘટનાની તપાસ સાથે જોડાયેલા આતંકવાદ નિરોધક ગ્રૂપના એક અધિકારીનું કહેવું છે કે, અત્યાર સુધી તપાસમાં જે પણ પુરાવા મળ્યા છે તેમાં આ કોઈ આતંકવાદ સંગઠનની કરતૂત હોવાની શક્યતા લાગતી નથી.
ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ગાડી મનસુખ હિરેન નામની વ્યક્તિના નામ પર નોંધાયેલી છે. હિરેને જણાવ્યું હતું કે ૧૭ ફેબ્રુઆરીની સાંજે તેઓ થાણેથી ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં ગાડી બંધ થઈ ગઈ હતી. તેમને ઉતાવળ હોવાથી ગાડી એરોલી બ્રિજ પાસે ઊભી કરી દીધી હતી. બીજા દિવસે તેઓ ગાડી લેવા ગયા તો તેમને ના મળી.
આરોપીઓએ ગાડીની નંબરપ્લેટ બદલી દીધી હતી અને ચેસિસ નંબર ખોતરી નાખ્યા હતા. તેમ છતાં પોલીસને ગાડીની ઓળખ કરવામાં સફળતા મળી છે. આ ગાડીમાંથી ૨૦ નંબરપ્લેટ પણ મળી આવી છે. આ નંબર મુકેશ અંબાણીના સ્ટાફની ગાડીઓ સાથે મેચ થઈ રહ્યા છે. શંકા છે કે આરોપી લાંબા સમયથી તેમના કાફલાનો પીછો કરી રહ્યો હતો.