જાણો વારાણસીમાં PMના રોડ-શો દરમિયાન SPG કમાન્ડોએ હાથમાં પહેરેલી વસ્તુ શું હતી

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વારાણસીમાં ભવ્યાતિભવ્ય રોડ શો યોજાયો હતો. વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 2014માં લોકસભાની ચૂંટણી લડતા સમયે લોકોમાં જેવો પ્રેમ જોવા મળ્યો હતો, તેવો જ પ્રેમ 2019ની ચૂંટણીમાં પણ જોવા મળ્યો હતો. વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો દરમિયાન માહોલ ભગવા રંગમાં રંગાઈ ગયો હતો. રોડ-શો દરમિયના હર હર મોદી અને ઘર ઘર મોદીના નારાઓ પણ લાગ્યા હતા. રોડ-શો દરમિયાન વડાપ્રધાનની સાથે રહેલા SPG કમાન્ડોની જવાબદારીમાં પણ વધારો થયો હતો. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હોય કે, રોડ-શો હોય ત્યારે તેમના SPG કમાન્ડો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા જ હોય છે.

ત્યારે ગઈકાલના વારાણસીના રોડ-શોમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કારની ટોપ પર રહીને લોકોનું અભિવાદન ઝીલતા હતા ત્યારે તેમની પાછળ ઊભા રહેલા બે SPG કમાન્ડોએ તેમના હાથમાં પહેરેલી હેન્ડપંચ જેવી એક વસ્તુએ લોકોના મનમાં અનેક પ્રશ્નો જગાડ્યા હતા.આ વસ્તુ વિષે વાત કરવામાં આવે તો SPGના કમાન્ડોએ રોડ-શો દરમિયાન હાથમાં બેલેટપ્રુફ ગાર્ડ પહેર્યા હતા. જે સમયે કોઈ પણ નેતા રોડ-શો દરમિયાન બુલેટપ્રુફ જેકેટ નથી પહેરી શકતા ત્યારે SPG કમાન્ડો હાથમાં બુલેટપ્રુફ ગાર્ડ પહેરીને નેતાઓને સુરક્ષા પૂરી પાડે છે. રોડ-શો દરમિયાન કોઈ હુમલો થાય અને કોઈ ગોળી નેતાની તરફ આવે તો બુલેટપ્રુફ ગાર્ડ નેતાના માથાના આડે રાખીને તેઓને ઝડપથી કારમાં બેસાડી શકાય છે. આ ઉપરાંત આ નાની એવી વસ્તુ ઘણી બધી રીતે નેતાઓને રક્ષણ પૂરું પાડે છે.