છેલ્લી મેચ દરમ્યાન ઇંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓનું અચાનક વજન ઘટ્યું હતું : સ્ટોક્સ

5

એક અઠવાડિયામાં મારું પાંચ કિલો વજન ઘટ્યું છે…

અમદાવાદ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની છેલ્લી ચોથી મેચ અમદાવાદમાં રમાઇ હતી. જે મામલે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, છેલ્લી મેચ દરમિયાન તેનું અને તેના સાથીઓનું અચાનક વજન ઘટ્યું હતું. મેચ પહેલાં ખેલાડીઓ પેટ સંબંધિત બીમારીથી પીડિત હતાં. ભારતે ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ચાર મેચની ટેસ્ટ સીરિઝ ૩-૧થી જીતી હતી.
સ્ટોક્સે કહ્યું કે, ખેલાડીઓ સંપૂર્ણ રીતે ઇંગ્લેન્ડ પ્રત્યે પ્રતિબદ્ધ છે અને મને લાગે છે કે, ગયા અઠવાડિયે કેટલાક ખેલાડીઓ બીમાર પડી ગયા હતા. આવામાં ૪૧ ડિગ્રી તાપમાનમાં રમવું ખરેખર મુશ્કેલ હતું. એક અઠવાડિયામાં મારું પાંચ કિલો વજન ઘટ્યું છે. ડોમ સિબ્લીનું ચાર કિલો અને જિમ્મી એન્ડરસનનું ત્રણ કિલો વજન ઉતર્યું છે. જેક લીચ બોલિંગ સ્પેલ વચ્ચે મેદાન છોડીને જઇ રહ્યો હતો અને શૌચાલયમાં વધુ સમય કાઢી રહ્યો હતો.
સ્ટોક્સે કહ્યું કે, આ કોઇ પ્રકારનું બહાનું નથી. કેમ કે, દરેક રમવા માટે તૈયાર હતાં. ભારત અને ખાસ કરીને પંતે સારું પ્રદર્શન કર્યું, પરંતુ અમારા ખેલાડીઓએ જેવી રીતે ઇંગ્લેન્ડની જીત માટે દરેક સંભવ પ્રયાસ કર્યા, તેના માટે હું તેમની પ્રશંસા કરું છું.
આગળ સ્ટોક્સે કહ્યું કે, ક્રિકેટ પંડિત તેમની ભૂમિકા ભજવી રહ્યાં છે. તે સારું છે પરંતુ અમને સારા ખેલાડી કે સારી ટીમ બનાવવી તેમની જવાબદારી નથી. તે અમારું કામ છે અને અમારે આની પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. તમારા કેપ્ટન, કોચ અને સાથીઓના વિચાર મહત્વ રાખે છે, એક સારી ટીમ અને તમને વધુ સારા ખેલાડી બનાવવાનો પ્રયાસ કરે છે. અમારા ઘણા ખેલાડીઓનો આ પ્રથમ ભારત પ્રવાસ હતો અને તેમને આનાથી ઘણી શીખ મળી છે.