ચોથી ટેસ્ટમાં કોહલીની સદીની રાહ જોતા દર્શકો : ૧૧ ઇનિંગ્સથી સદી નથી ફટકારી…

9

અમદાવાદ : વિરાટ કોહલી આ નામ સામે આવે એટલે સતત રન ફટકારનાર બેટ્‌સમેનનું નામ જ નજરની સામે આવે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી તેનું બેટ બોલ્યું નથી. ટેસ્ટ હોય કે વન-ડે. પછી ટી-૨૦. વિરાટ કોહલી એકપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. હાલમાં ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. તેમાં ચાહકોને આશા હતી કે વિરાટ કોહલીના બેટમાંથી રનનો ધોધ નીકળશે. પરંતુ તે તમામ આશા ઠગારી નીવડી. એક નહીં પરંતુ ત્રણ ટેસ્ટ પૂરી થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી કોહલીના બેટમાંથી સદી નીકળી શકી નથી. વિરાટ કોહલીને સચિન તેંડુલકરની ૧૦૦ સદીના રેકોર્ડને તોડવાનો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. પરંતુ લાંબા સમયથી તે પોતાની ૭૧મી સદી માટે તરસી રહ્યો છે.
વિરાટ કોહલીએ છેલ્લે બાંગ્લાદેશ સામે નવેમ્બર ૨૦૧૯માં ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારી હતી. પરંતુ તેના પછીથી કોહલી ક્રિકેટના એકપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી. સંયોગની વાત એ છે કે તેની છેલ્લી સદી પણ ડે-નાઈટ ટેસ્ટમાં જ જોવા મળી હતી.
કોહલીએ ૨૦૦૮માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના પછી ૨૦૨૧ સુધી ૧૩ વર્ષમાં ૭ સદી ફટકારી છે. ૨૦૧૯ના અંત સુધી ફેન્સ દાવો કરવા લાગ્યા હતા કે જે સ્પીડથી કોહલી સદી ફટકારી રહ્યો છે તે સચિનનો રેકોર્ડ તોડી નાંખશે. તેના પછી જાણે કોહલીને નજર લાગી ગઈ. ૧૧ ઈનિંગ્સથી સદી માટે તરસતો કોહલી અમદાવાદ ટેસ્ટમાં માત્ર ૨૭ રન બનાવીને આઉટ થઈ ગયો. ૫૮ બોલ રમ્યા પછી તેને જેક લીચે કલીન બોલ્ડ કરી દીધો.
કોહલીની કારકિર્દીમાં આ બીજી વખત એવું બન્યું છે. જ્યારે તે ૧૧ ઈનિંગ્સમાં કોઈ સદી ફટકારી શક્યો નથી. તેની પહેલાં ઓગસ્ટ ૨૦૧૫થી લઈ જુલાઈ ૨૦૧૬ની વચ્ચે ૧૧ ઈનિંગ્સ સુધી કોહલીના બેટમાંથી એકપણ સદી નીકળી ન હતી. સદી માટે સૌથી લાંબો ઈંતઝાર કોહલીને ૨૦૧૧-૧૨માં કરવો પડ્યો હતો. જ્યારે ૧૩ ઈનિંગ્સમાં તે એકપણ સદી ફટકારી શક્યો ન હતો.