‘ચોકીદાર ચોર હૈ’ને બદલે જ્યારે રાહુલની સભામાં લાગ્યા ‘મોદી ઝિંદાબાદ’ના નારા

લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યું છે, દિગ્ગજ નેતા તાબડતોડ ચૂંટણી રેલીઓ કરીને મતદાતાઓને પોતાના પક્ષમાં કરવા માટે મહેનત કરી રહ્યા છે. આ રેલીઓમાં ક્યારેક કંઈક એવું પણ થઈ જાય છે, જેને કારણે નેતા અસહજ થઈ જતા હોય છે. આવો જ નજારો ઝારખંડના સિમડેગામાં ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની એક ચૂંટણી જનસભામાં જોવા મળ્યો. અહીં ચૂંટણી સભામાં જ્યારે સ્ટેજ પરથી ચોકીદાર ચોર હૈના નારા લાગી રહ્યા હતા, એ જ સમયે આગળના લાઈનમાં બેઠેલી કેટલીક સ્થાનિક આદિવાસી મહિલાઓ મોદી ઝિંદાબાદના નારા લગાવવા માંડી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઝારખંડના ખૂંટી લોકસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસ ઉમેદવાર કાલીચરણ મુંડાના પક્ષમાં આયોજિત ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમની સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીનું ભાષણ પૂરું થતા જ કોંગ્રેસ કાર્યકર્તાઓએ સ્ટેજ પરથી ચોકીદાર ચોર હૈના નારા લગાવવા શરૂ કરી દીધા, તો સ્ટેજની સામે પત્રકારોની લાઈનની પાછળ બેઠેલી આદિવાસી મહિલાઓ મોદી ઝિંદાબાદના નારા લગાવવા માંડી. મહિલાઓને મોદી ઝિંદાબાદના નારા લગાવતી જોઈ આયોજક થોડીવાર માટે સન્ન થઈ ગયા અને તેમને સમજ જ ન પડી કે તેઓ શું કરે.

આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં મોદી ઝિંદાબાદના નારા લગાવનારી મહિલાઓને પત્રકારોએ તેનું કારણ પૂછ્યું, તો તેમણે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે કારણ કે તેમણે અમને શૌચાલયો, ગેસ કનેક્શન, મકાન અને વીજળી આપી છે.