ચૂંટણી માટે કોંગ્રેસનો ‘શપથ પત્ર’ જાહેર, ટેક્સમાં રાહત આપવા સહિત કરી અનેક મોટી જાહેરાત…

26

ગીચ વિસ્તારોમાંથી બીઆરટીએસ હટાવાશે, શહેરીજનોને મળશે ફ્રી પાર્કિંગ…

ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત અને ઘરવેરામાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરશે, કોર્પોરેશનમાં ભરતી પ્રક્રિયા શરૂ કરશે…

અમદાવાદ : અમદાવાદ સહિતની રાજ્યની મહાનગરપાલિકાઓ તેમજ પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીનો ઢંઢેરો જાહેર કરાયો છે. પક્ષે ચૂંટણી ઢંઢેરાને ’શપથ પત્ર’નું નામ આપતા જણાવ્યું છે કે, તે સત્તામાં આવતા જ પોતે આપેલા એકેએક વચનનું પાલન કરશે.
કોંગ્રેસ દ્વારા કરાયેલી મહત્વની જાહેરાતોમાં તમામ શહેરીજનોને સરકારની સુવિધાઓ, સેવાઓ તેમજ સ્કીમ્સ માટે ગુજરાઈટ કાર્ડ આપવાની, સત્તામાં આવ્યાના ચોવીસ કલાકમાં જ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવાની, કોર્પોરેશનમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી શરુ કરવાની, શહેરના જાહેર માર્ગો પર એર પ્યુરિફાયર લગાવવાની, મફતમાં ઈંગ્લિશ મિડિયમમાં શિક્ષણ આપવાની જાહેરાતોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં પ્રોપર્ટી ટેક્સમાં ૫૦ ટકા સુધી ઘટાડો કરવા, કોરોના કાળમાં આર્થિક નુક્સાન ભોગવનારા વેપારીઓને ૧ વર્ષ માટે ટેક્સમાં રાહત આપવા, તમામ શહેરોમાં ફ્રી વાહન પાર્કિંગ તેમજ ફ્રી વાઈફાઈ ઝોન શરુ કરવાની પણ જાહેરાતો કરાઈ છે.
મોટાભાગના શહેરોના કેટલાક વિસ્તારોમાં પાણીનો કકળાટ આજે પણ જોવા મળે છે. તેવામાં કોંગ્રેસે આ સમસ્યાને ઉકેલવાની અને પાણીની બચત કરનારા શહેરીજનોને મફતમાં પાણી આપવાની જાહેરાત કરી છે. નવા વિસ્તારોમાં જ્યાં સુધી નર્મદાનું પાણી ના આપી શકાય ત્યાં સુધી વોટર ટેક્સમાં રાહત અપાશે તેવી પણ પક્ષે જાહેરાત કરી છે.
સોસાયટીઓમાં નિયમિત સફાઈ માટે વૈજ્ઞાનિક ઢબે આયોજન, કાયમી સફાઈ કર્મચારીઓની નિમણૂંક, સફાઈકર્મીઓને તેમના ઝોનમાં ક્વાર્ટર આપવાનું, જાહેર જગ્યાઓ પર સ્વચ્છ અને ફ્રી પબ્લિક ટોઈલેટનું નિર્માણ કરવાનું પણ પક્ષ દ્વારા વચન આપવામાં આવ્યું છે. અમદાવાદ માટે માથાનો દુઃખાવો બનેલા પીરાણાના કચરાના ડુંગરનો આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસાર નિકાલ લવાશે તેમ પણ પક્ષે જણાવ્યું છે.
શહેર હોય કે ગામડાં, ચોમાસામાં ઘણા રસ્તા ધોવાઈ જતાં હોય છે. આ મુદ્દાને ઉઠાવતા કોંગ્રેસે જાહેરાત કરી છે કે જો તેને સત્તા મળી તો તમામ તૂટેલા રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવશે. તેમજ ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખતા ગીચ વિસ્તારોમાંથી બીઆરટીએસ હટાવાશે તેવું ચૂંટણી વચન પણ પક્ષે આપ્યું છે.
આરોગ્ય સેવા માટે પક્ષે દરેક વોર્ડમાં તિરંગા હેલ્થ ક્લિનિક ખોલવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં હ્રદયરોગ, કિડની જેવી ગંભીર બીમારીની સારવાર લેતો દર્દી સામાન્ય ના થાય ત્યાં સુધી તેને ટ્રીટમેન્ટ અપાશે, અને ખાસ તો અમદાવાદ માટે વી.એસ. હોસ્પિટલને ફરી કાર્યરત કરાશે તેવી પણ પક્ષે જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિતની સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ કુલ છ મહાનગરપાલિકાઓમાં ૨૧ ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. જેની મતગણતરી ૨૩ ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. જ્યારે ૮૧ પાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાશે, અને તેની મતગણતરી ૦૨ માર્ચના રોજ થશે. બે તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં બીજા તબક્કાની ચૂંટણી પહેલા જ પહેલા તબક્કાનું પરિણામ જાહેર કરવા બાબતે હાઈકોર્ટમાં પિટિશન પણ કરાઈ છે.

 • કોંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં કરેલા વાયદાઓઃ-
  – કોન્ટ્રેક્ટના નામે યુવા વર્ગનું શોષણ થાય છે, એ માટે આઉટસોર્સિંગ નાબૂદ કરીશું.
  – ૬ મહાનગરમાં તમામ સરકારી શાળામાં મોડલ સ્કૂલો બનાવવી અને ધો. ૧થી જ અંગ્રેજી માધ્યમ શરૂ કરી અને મફત શિક્ષણ સુવિધાઓ શરૂ કરશે.
  – વરસાદી પાણીના નિકાલથી લોકોને જે નુકસાન થાય છે એ દૂર કરવા એક્સપર્ટની મદદ લઇ કામગીરી કરવામાં આવશે.
  – શહેરી વિસ્તારોમાં પાર્કિગની સમસ્યા છે. પાર્કિગના નામે ઉઘાડી લૂંટ ચાલે છે, જે દૂર કરવામાં આવશે અને ફ્રી પાર્કિગ કરવામાં આવશે.
  – વિદ્યાર્થીઓ અને શહેરીજનો માટે ફ્રી વાઈફાઈ ઝોન બનાવવામાં આવશે.
  – દરેકને ફ્રી પાણી મળે એવી સુવિધાઓ કરવામાં આવશે.
  – ગરીબ પરિવારને ઘરનું ઘર મળે એવો પ્રયાસ કરવામાં આવશે.
  – આધુનિક હોસ્પિટલ અને દરેક વોર્ડમાં તિરંગા ક્લિનિક બનાવવામાં આવશે.
  – કોરોનાકાળમાં આર્થિક નુકસાની ભોગવી રહેલા ધંધાર્થીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત આપીશું.
  – તમામ શહેરોમાં નાગરિકોને ફ્રી વાહન પાર્કિંગ આપીશું.
  – ઘરવેરામાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરીશું.