ચૂંટણીઓમાં માસ્કનો ઉપયોગને ફરજિયાત કેમ નહિં? દિલ્હી હાઇકોર્ટે માગ્યો જવાબ…

8

ન્યુ દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી દરમિયાન પ્રચારમાં સામેલ પ્રત્યેક વ્યક્તિ માટે માસ્કના ઉપયોગને અનિવાર્ય બનાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર સરકાર અને ચૂંટણી આયોગ પાસે બુધવારે જવાબ માગ્યો. ચીફ જસ્ટિસ ડી. એન. પટેલ અને જસ્ટિસ જસમીત સિંહની બેન્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી તેમજ થિંક ટેન્ક સેન્ટર ફોર અકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટમિક ચેન્જ (ઝ્રએજીઝ્ર)ના પ્રમુખ વિક્રમ સિંહની અરજી પર કેન્દ્ર અને ચૂંટણી આયોગને નોટિસ પાઠવી છે. આ તમામે ૩૦ એપ્રિલ સુધીમાં નોટિસનો જવાબ આપવાનો છે.
કોર્ટે આ મામલાની આગળની સુનાવણીની તારીખ ૩૦ એપ્રિલ આપી છે, જ્યારે તે સિંહની પ્રમુખ અરજી પર પણ સુનાવણી કરશે. મુખ્ય અરજીમાં સિંહે એવા પ્રચારકો તેમજ ઉમેદવારોના વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર પર પ્રતિબંધ લગાવવાનો અનુરોધ કર્યો છે, જે કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા આવશ્યક દિશા-નિર્દેશોનું વારંવાર ઉલ્લંઘન કરી રહ્યા છે.
સિંહ તરફથી હાજર વકીલ વિરાગ ગુપ્તાએ જજોની બેન્ચને જણાવ્યું કે, ચૂંટણી આયોગે વિધાનસભા ચૂંટણી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને અનિવાર્યરીતે માસ્ક પહેરવા માટે ડિજિટલ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જાગૃતતા પેદા કરવી જોઈએ. ગુપ્તાએ દલીલ કરી કે, જ્યારે માસ્કનો ઉપયોગ અનિવાર્ય કરવા પર તમામ અધિકારી એકમત છે ત્યારે એ વાત તર્ક વિહોણી છે કે, આ નિયમને ચૂંટણી પ્રચાર દરમિયાન શા માટે લાગુ ના કરવી જોઈએ.
કેન્દ્ર તરફથી સરકારના સ્થાયી અધિવક્તા અનુરાગ અહલુવાલિયાએ નોટિસનો સ્વીકાર કર્યો. સિંહે ગૌરવ પાઠકના માધ્યમથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કેન્દ્રને તેના ૨૩ માર્ચના આદેશનું કડકાઈપૂર્વક પાલન કરાવવાનો નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો, જેમાં ચૂંટણીવાળા રાજ્યોમાં સાર્વજનિક સ્થળો અને કાર્યસ્થળો પર માસ્ક ન પહેરનારાઓ પર યોગ્ય દંડ લગાવાનું અનિવાર્ય બનાવવાનું હતું.
આસામ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુદ્દુચેરીમાં વિવિધ ચરણોમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. ચૂંટણી ૨૭ માર્ચથી શરૂ થઈ હતી અને ૨૯ એપ્રિલે પૂર્ણ થશે. સિંહે દલીલ કરી હતી કે, કેન્દ્ર અને ચૂંટણી આયોગના દિશા-નિર્દેશો હોવા છતા, ચૂંટણી પ્રચાર કોવિડ-૧૯ના નિયમોનું ઉલ્લંઘન કરીને પૂરજોરમાં ચાલી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે, સામાન્ય પ્રજાની સાથે અપ્રત્યક્ષરીતે ભેદભાવ કરવામાં આવી રહ્યા છે, કારણ કે કોવિડ-૧૯ નિયમોના ઉલ્લંઘન માટે તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે, પરંતુ નેતાઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.