ચીન આગામી દાયકામાં દુનિયા માટે જોખમરૂપ : નાટો

નાટોના વિઝન ૨૦૩૦ઃ ગ્રુપના તમામ દેશોએ મળીને ચીનની વિરુદ્ધ લડાઈ રહેલા મિત્ર દેશોની રક્ષા કરવી જોઈએ…

ચીનને વિસ્તારવાદી, સત્તા માટે લોકતંત્રને ખુલ્લો પડકાર આપનારો દેશ ગણાવાયો છે…

બ્રસેલ્સ : યુરોપીયન અને નોર્થ અમેરિકન દેશોનાં મિલિટરી ગ્રુપ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)એ ચીનને આગામી દાયકામાં દુનિયા માટે જોખમરૂપ ગણાવ્યું છે. નાટોના એક્સપર્ટ ગ્રુપના રિપોર્ટ ‘યુનાઈટેડ ફોર અ ન્યુ એરા’માં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બુધવારે આ રિપોર્ટ જારી કરાયો હતો. નાટોના આ રિપોર્ટમાં ચીનને વિસ્તારવાદી, સત્તા માટે લોકતંત્રને ખુલ્લો પડકાર આપનારો દેશ ગણાવાયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ચીન ફુલ સ્પેક્ટ્રમ સિસ્ટમેટિક હરીફ છે. ઈકોનોમિક મજબૂતીનો મંજાયેલો ખેલાડી છે. તે એશિયાની સુરક્ષા માટે સૌથી મોટા જોખમરૂપ છે. તેણે પોતાની મિલિટરી પહોંચ એટલાન્ટિક સુધી વધારવાનું શરૂ કર્યુ છે. રશિયાની સાથે ચીનના સંબંધ મજબૂત થઈ રહ્યા છે. બંને મળીને લાંબી રેન્જવાળી મિસાઈલો, એરક્રાફ્ટ, એરક્રાફ્ટ કેરિયર, ન્યુક્લિયર એટેક સબમરીન જેવા હથિયારો મોટા પાયે તૈયાર કરી રહ્યા છે.
નાટોના વિઝન ૨૦૩૦માં જણાવાયું છે કે ગ્રુપના તમામ દેશોએ મળીને ચીનની વિરુદ્ધ લડાઈ લડી રહેલા મિત્ર દેશોની રક્ષા કરવી જોઈએ. તેમની સુરક્ષા અને તેમને મજબૂત કરવાનું કામ કરવું જોઈએ. ચીનને એ ખ્યાલ હોવો જોઈએ કે નાટોના મિત્ર દેશોનો તે ફાયદો ન ઉઠાવી શકે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે નાટોની અંદર રાજકીય મતભેદોનો સીધો લાભ રશિયા અને ચીનને મળશે. તેનાથી તે આપણી સુરક્ષા માટે જોખમી બની શકે છે અને આપણને નબળા પાડી શકે છે.

નાટોના રિપોર્ટમાં બીજું શું જણાવાયું છે?
ચીનનો પ્રભાવ દરેક ક્ષેત્રમાં વધુને વધુ વધતો જાય છે.
તેણે બેલ્ટ એન્ડ રોડ, પોલર સિલ્ક રોડ, સાઇબર સિલ્ક રોડનો ઝડપથી વિસ્તાર કર્યો છે.
તે ઝડપથી યુરોપના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કમ્યુનિકેશનનું હસ્તાંતરણ કરી રહ્યું છે.
ચીન સમગ્ર દુનિયામાં અનેકવાર સાઇબર-અટેક કરી ચૂક્યું છે. બીજા દેશોની ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ચોરી કરી રહ્યું છે.
ચીન વ્યાપારિક સમાધાનો માટે ખતરો બન્યું છે.
ચીનની વિરુદ્ધ રહેલા મિત્ર દેશોની રક્ષા કરવી જોઈએ