ચરોતરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહભેર ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી

આણંદ,

સમગ્ર ચરોતરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જેમાં ઇદગાહ મેદાન ખાતે સામૂહિક નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં શહેર ખતીબે નમાઝ અદા કરાવી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઇદની નમાઝમાં જોડાયા હતા. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરો એક-બીજાને ભેટીને ઇદની શુભેચ્છા પાઠવી હતી.

મુસ્લિમ બિરાદરોએ આજે ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરી

માઝા મુકતી ગરમીમાં છેલ્લા એક માસથી રોઝા રાખીને અલ્લાહની ઇબાદત કરનાર મુસ્લિમ બિરાદરોએ આજે ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મોડી સાંજે ચાંદ દેખાતા શહેર ખતીબ દ્વારા બુધવારે ઇદની જાહેરાત કરી હતી. ચાંદ દેખાતા જ મુસ્લિમ વિસ્તારોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું હતું. મુસ્લિમ સમાજ દ્વારા પોતાના મકાનોને ભવ્યાતિભવ્ય રોશનીથી શણગારી દીધા હતા અને ઠેર-ઠેર ઇદ મેળાનું આયોજન કરાયું હતું. મુસ્લિમ વિસ્તારમાં વહેલી સવારથી જ ભારે ચહલ-પહલ જોવા મળી હતી.

પવિત્ર રમઝાન માસની ઇદના પાવન દિવસે શહેર ખતીબે તમામ રોઝમદારોને ઇદની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દેશમાં શાંતિ રહે દેશવાસીઓ કોમી એખલાસનું વાતાવરણ રહે. અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અલ્લાહને દુઆ કરી હતી. ઇદગાહ મેદાન સહિત વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં સમૂહ નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ નમાઝના કાર્યક્રમોમાં રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. અને મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છા પાઠવી હતી.