ચંદ્રયાન-૨ અંત્યત મહત્ત્વપૂર્ણ મિશન, લેન્ડિંગ પર સમગ્ર દુનિયાની નજર…

નાસાના પૂર્વ એસ્ટ્રોનોટ ડોનાલ્ડ થોમસે કહ્યું…

કોયમ્બતૂર,
ભારતનું મહત્વકાંક્ષી ચંદ્રયાન-૨ મિશન સાત સપ્ટેમ્બરે ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે. નાસાના પૂર્વ એસ્ટ્રોનોટ ડોનાલ્ડ એ થોમસે રવિવારે કહ્યું કે ચંદ્રયાન-૨ જ્યારે ચંદ્ર પર લેન્ડ કરશે ત્યારે અમેરિકાની સ્પેસ એજન્સી સહિત સમગ્ર વિશ્વની તેના પર નજર રહેશે. ચંદ્રયાન-૨ પહેલું યાન છે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. પાંચ વર્ષ બાદ અહીં એસ્ટ્રોનોટ ઉતારવાની નાસાની યોજના છે. નાસા જ નહિ પરંતુ આખી દુનિયા ભારતના આ મિશનને લઇને ઉત્સુક છે.
કોયમ્બતૂરની પાર્ક કોલેજ ઓફ એન્જિનયરિંગના એક કાર્યક્રમમાં સામેલ થવા માટે થોમસ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પત્રકારોને કહ્યું કે અમે આ પહેલા ચંદ્રની ભૂમધ્ય રેખા પાસે ઉતરી ચૂક્યા છીએ પરંતુ દક્ષિણ ધ્રુવ પર ક્યારેય નથી ગયા. દક્ષિણ ધ્રુવ અમારા માટે ખાસ છે. કારણ કે અહીં બરફ મળવાની આશા છે. જો અહીં બરફ મળે તો તેનાથી ઓક્સિજન અને હાઇડ્રોજન મેળવી શકાય છે.
ચંદ્રની પરિસ્થિતિ વિશે તેમણે કહ્યું કે ત્યાં રહેવું ખૂબ મુશ્કેલ છે. ત્યાં ભારે પ્રમાણમાં રેડિએશન છે. દિવસના સમયે ત્યાં તાપમાન ૧૦૦ ડિગ્રી પાર પહોંચી જાય છે. જ્યારે રાતે તાપમાન ૧૦૦ ડિગ્રી નીચે હોય છે.