ઘરમાં પડી હતી દીકરાની લાશ છતા, પહેલા કર્યું મતદાન પછી ગયા સ્મશાન

બિહારના મુંગેરની હવેલી ખડગપુર પ્રખંડ ક્ષેત્રના ખંડબિહારી ગામના એક પરિવારે મતદાન પ્રત્યે પ્રતિબદ્ધતાની મિસાલ રજૂ કરી છે. પરિવારના બીમાર સભ્યનું રવિવારે મોડી રાત્રે મોત થયું હતું. પરિવારજનોએ પહેલા વોટ આપ્યો, પછી શબને અગ્નિ સંસ્કાર માટે સુલ્તાનગંજ સ્મશાન ઘાટ લઈ ગયા.

મળતી માહિતી અનુસાર, ખંડબિહારી ગામ નિવાસી સ્વર્ગીય સૂબેદાર સિંહનો 40 વર્ષીય પુત્ર પિંટૂ સિંહ ઘણા દિવસથી બીમાર હતો. બીમારીને કારણે રવિવારે મોડી રાત્રે તેનું મૃત્યુ થયું હતું. અગ્નિ સંસ્કારની તૈયારીઓ શરૂ કરવામાં આવી. દરમિયાન કેટલાક ગ્રામીણોએ સોમવારે મતદાનની વાત યાદ અપાવી.

સવારે એક તરફ ઘરના પુરુષ સભ્યો અગ્નિ સંસ્કારની તૈયારીમાં હતા, તો મહિલાઓએ મતદાન કેન્દ્ર પર જઈને મતાધિકારનો પ્રયોગ કર્યો. ત્યારબાદ પુરુષ સભ્યોએ પણ ખંડબિહારી ગામ સ્થિત બેસિક સ્કૂલ મતદાન કેન્દ્ર નંબર 307 પર જઈને મતદાન કર્યું, ત્યારબાદ શબને સુલ્તાનગંજ સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યા. આ અંગે પરિવારજનોએ કહ્યું હતું કે, શબના અગ્નિ સંસ્કાર કરવા એ ધર્મ છે, તો લોકતંત્રમાં મહાપર્વમાં ભાગ લેવો એ પણ પરમ કર્તવ્ય છે.