ઘઉંની આયાત પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 10%નો વધારો, ખેડૂતોને થશે ફાયદો

દેશના ઘઉંના ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ઘઉં પર આયાત કરમાં 10 ટકાનો વધારો કર્યો છે. નાણા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર, આત શુલ્કને હાલના 30 ટકાથી વધારીને 40 ટકા કરી દેવામાં આવ્યું છે. દેશમાં આ વર્ષે ઘઉંની રેકોર્ડ ઉપજનું અનુમાન છે, એવામાં આયાતમાં વધુ વધારો ન થાય અને દેશમાં ઘઉં ઉત્પન્ન કરનારા ખેડૂતોને સારા ભાવ મળી શકે તેને માટે સરકારે આ પગલું લીધું છે.

વધુ આયાત થવાની સ્થિતિમાં ઘરેલું બજારમાં વિદેશી ઘઉંની સપ્લાય વધશે, જે ઘરેલું બજારમાં ઘઉંના ભાર પર દબાણ બનાવી શકે છે, આ આશંકાને જોતા સરકારે આયાત કરમાં વધારો કર્યો છે.

કૃષિ મંત્રાલયે આ વર્ષે દેશમાં 991 લાખ ટન ઘઉં ઉત્પન્ન થવાનું અનુમાન લગાવ્યું છે, જે અત્યારસુધીમાં સૌથી વધુ ઉત્પાદન હશે. ખેડૂતોએ ઉત્પન્ન કરેલા ઘઉંને ખરીદવા માટે કેન્દ્ર સરકારે આ વર્ષે 1840 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનું સમર્થન મૂલ્ય જાહેર કર્યું છે અને આખા રવિ માર્કેટિંગ સીઝનમાં ખેડૂતો પાસેથી 357 લાખ ટન ઘઉં ખરીદવાનું લક્ષ્ય બનાવ્યું છે.

22 એપ્રિલ સુધી સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી 55.17 લાખ ટન ઘઉંની ખરીદી કરી ચુકી છે, જેમાંથી હરિયાણામાંથી 28.54 લાખ ટન, મધ્ય પ્રદેશમાંથી 18.89 લાખ ટન, પંજાબમાંથી 2.90 લાખ ટન, ઉત્તર પ્રદેશમાંથી 2.78 લાખ ટન અને રાજસ્થાન પાસેથી 1.97 લાખ ટન ઘઉં ખરીદવામાં આવ્યા છે. બાકીના ઘઉંની ખરીદી અન્ય રાજ્યો પાસેથી કરવામાં આવી છે.