ગૌતમ ગંભીરે આમ આદમી પાર્ટીની ચેલેન્જ સ્વીકારી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને ઈસ્ટ દિલ્હીથી BJPના ઉમેદવાર ગૌતમ ગંભીરે AAPની ડિબેટ કરવાની ચેલેન્જનો સ્વીકાર કરી લીધો છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલને રાજકારણમાં આવ્યાને 4.5 વર્ષ થઈ ગયા છે અને મને માત્ર 4.5 દિવસ થયા છે. હું કહું છું કે, 4.5 વર્ષના અડધા મને આપો અને હું તેમની સાથે જનતાની વચ્ચે ડિબેટ કરવા માટે તૈયાર છું.

ગૌતમ ગંભીરે આ વાત એક જનસભાને સંબોધિત કરતી વખતે કહી. તેમણે કહ્યું કે, મારા વિશે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે મને ડિબેટ કરતા ડર લાગે છે. હું જણાવી દઉં કે મને પાકિસ્તાનથી તો ડર નથી લાગતો, ડિબેટથી શું ડર લાગવાનો હતો? આ સભાનો વીડિયો ગૌતમ ગંભીરે ટ્વિટ કર્યો છે. આ વીડિયોના માધ્યમથી તેમણે AAPને કહ્યું કે, હું ચેલેન્જનો સ્વીકાર કર્યું છું, જગ્યા તમારી, સમય તમારો પરંતુ સોશિયલ મીડિયા પર નહીં પરંતુ જનતાની વચ્ચે ડિબેટ કરીશ.

જણાવી દઈએ કે, AAPની પૂર્વ દિલ્હી લોકસભાના ઉમેદવાર આતિશીએ BJP ઉમેદવાર ગૌતમ ગંભીરને પૂર્વી દિલ્હીના વિકાસને લઈને ડિબેટની ખુલ્લી ચેલેન્જ આપી છે. આતિશીએ કહ્યું કે, ગૌતમ ગંભીર જનતાની વચ્ચે આવીને આ વાત પર ડિબેટ કરે કે, છેલ્લાં 4 વર્ષોમાં AAPએ પૂર્વી દિલ્હીની જનતા માટે કયા-કયા વિકાસના કામો કર્યા અને તેમની પાર્ટીમાંથી 5 વર્ષ પૂર્વી દિલ્હીના સાંસદ રહેલા મહેશ ગિરીએ પૂર્વી દિલ્હીની જનતા માટે કયા વિકાસના કામો કર્યા.