ગૃહિણીઓને પડતાં પર પાટુ… શાકભાજીની સાથે કઠોળના ભાવ પણ વધ્યા…

તહેવારોની સીઝન શરુ થતાની સાથે જ ગૃહણીઓ પર મોંઘવારીનો પહેલો કોરડો વિંઝાઈ ગયો છે. દેશભરમાં ધોધમાર વરસાદ બાદ અલગ અલગ રાજ્યોમાંથી આવતી શાકભાજીની આવક ઓછી થતા જ ભાવો આસમાને પહોંચી ગયા છે. એપીએમસીમાં પણ જથ્થામાં આવતી શાકભાજી મોંઘી આવી રહી છે અને છુટક બજારોમાં શાકભાજીનો વેપાર કરતા વેપારીઓ પોતાનું કમિશન વધારીને વધુ નફો રઝળી રહ્યા છે.
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજીના ભાવ ટ્રાન્સપોર્ટેશનના ગલ્લાતલ્લાને લઈને આસમાને પહોંચ્યા છે. હેલ્થની દ્રષ્ટિએ થાળીમાં લીલુ શાક હોવું એ આવશ્યક હોય છે, ત્યારે લીલી શાકભાજી મોંઘી છે અને ગૃહિણીઓ શાક વગર હવે રસોઈ બનાવતી થઈ છે. અલબત્ત લીલોતરી શાકના વિકલ્પ તરીકે ગૃહિણીઓ કઠોળનો ઉપયોગ કરે છે. પરંતુ હવે પડતાં પર પાટુ પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેમ કે હવે લીલા શાકની સાથે ક્યાંકને ક્યાંક કઠોળ પણ મોંઘા થયા છે. બજારભાવ કરતાં કઠોળના ભાવમાં વધારો થવાથી ગૃહિણીઓ માટે રસોઈમાં શું બનાવ્યું તેઓ એક વેધક પ્રશ્ન ઉભો થયો છે.
ગુજરાતમાં વરસાદને લઈને પરિસ્થિતિ બગડી છે, ત્યારે ખાસ કરીને લીલી શાકભાજી બજારમાં હવે મોંઘી મળતી થઈ છે. શાકભાજીના વિકલ્પ તરીકે હવે ક્યાંકને ક્યાંક ગૃહિણીઓ કઠોળનો વપરાશ કરી રહ્યાં છે. ત્યારે કઠોળના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થતિ બાદ તમામ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે.