ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ : દારૂબંધી-દુષ્કર્મ કેસનાં મુદ્દા ચર્ચાયા…

ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે બાળકો ગુમ થવાના ૯૦% કેસોમાં પ્રેમ-પ્રકરણ જવાબદાર…

ગાંધીનગર,
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો મંગળવારથી પ્રારંભ થયો. પહેલા દિવસે ગુજરાતનું પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું. આ પહેલા પ્રશ્નોતરીકાળ દરમિયાન વિવિધ મંત્રીઓએ ધારાસભ્યોએ પૂછેલા તારાંકિત પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેમાં વાયબ્રન્ટ ગુજરાતથી ઉભી થયેલી રોજગારીના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા હતા.

સિદ્ધપુર કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના પ્રશ્નના જવાબમાં સરકારે માહિતી આપી હતી. વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૫ અને ૨૦૧૭માં રોજગારીના આંકડાની વાત કરીએ તો, વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૫માં ૨૯,૧૪,૦૦૦ રોજગારી નો અંદાજ સામે ફક્ત ૫,૦૪,૪૦૦ રોજગારી ઉતપન્ન થઈ છે, જ્યારે ૨૦૧૭ના વાઇબ્રન્ટ સમિટમાં ૪૨,૯૭,૮૦૦ જેટલી રોજગારી સામે ફક્ત ૩,૦૮,૨૦૦ રોજગારી ઉતપન્ન થઈ છે.

તેવી રીતે વાયબ્રન્ટ સમિટ એમઓયુમાં થયેલા પ્રોજેક્ટના આંકડા વિશે ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩થી ૨૦૧૯ સુધી થયેલા એમઓયુના પ્રોજેક્ટની માહિતી આપી હતી. રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાં બળાત્કારના કેસમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૭-૧૮ માં અમદાવાદ શહેરમાં ૧૩૧ કેસ નોંધાયો હતા, જેની સામે વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૮૦ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં વર્ષ ૨૦૧૭-૧૮ માં દુષ્કર્મના ૧૨ કેસ નોંધાયા હતા, જે ૨૦૧૮-૧૯માં વધીને ૧૪ થયા છે.

લોકોએ ધર્મપરિવર્તનની અરજી વિશે પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ૨ વર્ષમાં ૧૩ જિલ્લાના ૩૨૪ લોકોએ ધર્મપરિવર્તનની અરજી કરી છે. ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં ઝડપેલો દારૂ અને ગાંજો પકડ્યો તે વિશે પ્રશ્ન પૂછ્યો હતો. આ મુદ્દે જવાબમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહે જણાવ્યું કે, ગુજરાત સરકાર દારૂબંધીના પાલન માટે સરકાર કટીબદ્ધ છે. આ માટે જ ઇ-સિગારેટ પર પ્રતિબંધના પગલાં લીધા છે.

રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં ગુમ થયેલા બાળકો અંગે અનેક ખુલાસો થયો છે. રાજ્યમાંથી એક વર્ષમાં કુલ ૨,૩૦૭ બાળકો ગુમ થયા છે. આ અંગે જવાબ આપતા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુમ થયેલા બાળકોમાં ટકા ૯૦ ટકા બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થાય છે. રાજ્યમાં બાળકો ગુમ થયાનો આંકડો ચોંકાવનારો છે. ગૃહરાજ્ય મંત્રીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧ વર્ષમાં સમગ્ર રાજ્યમાં ૨૩૦૭ બાળકો ગુમ થયા છે. જેમાંથી ૨૩૦૭માંથી ૧૮૦૪ બાળકોની ભાળ મળી ગઇ છે, જ્યારે હજુ પણ ૪૯૭ બાળકોનો કોઈ અતોપતો નથી.