ગુજરાત બોર્ડ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું ૩૫.૬૧ ટકા પરિણામ જાહેર…

ગાંધીનગર,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. પૂરક પરીક્ષાનું પરિણામ ૩૫.૬૧ ટકા જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૧૭,૪૨૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૫,૫૪૮ ઉત્તીર્ણ થયા છે. ૧૪ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પાસ થયા છે. આ ઉપરાંત પૂર્વ સેમેસ્ટર સિસ્ટમ પ્રમાણે લેવાયેલી પરીક્ષાનું પરિણામ ૨૮.૭૫ ટકા આવ્યું છે.
૧૭,૪૨૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાના ફોર્મ ભર્યા હતા જેમાંથી ૧૫૫૮૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૫૫૪૮ પાસ થયા છે. એ ગ્રુપમાં છોકરાઓની ટકાવારી ૨૮.૨૬ ટકા રહી જ્યારે છોકરીઓની ટકાવારી ૩૬.૨૮ રહી. બી ગ્રુપમાં પણ છોકરાઓ કરતાં છોકરીની સફળતાની ટકાવારી ઊંચી રહી. ૩૪.૮૧ ટકા છોકરાઓ સફળ રહ્યા જ્યારે ૪૨.૦૫ ટકા છોકરીઓ સફળ રહી.
સેમેસ્ટર સિસ્ટમની પૂરક પરીક્ષા માટે ૫૫૧૫ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેની સામે ૩૬૯૮એ પરીક્ષા આપી હતી. જે પૈકી માત્ર ૧૦૬૩ પાસ થયા છે. આમ તેની ટકાવારી ૨૮.૭૫ ટકા રહી છે. નોંધનીય છે કે, આ પૂરક પરીક્ષામાં પણ એ અને બી ગ્રુપમાં છોકરાઓ કરતાં છોકરીઓની સફળતાની ટકાવારી ઊંચી રહી છે.
બપોરે ૧૨ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી શાળાએ માર્કશીટ અને પ્રમાણપત્રો મેળવી લેવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવી હતી.