ગુજરાત આયકરને ૬૩૦૮૫ કરોડનો કર વસૂલાતનો લક્ષ્યાંક : ૨૦૧૯-૨૦નો રીઝીયનવાઈઝ અપાયો પ્રાથમિક ટાર્ગેટ

  • ગત વર્ષે ગુજરાત -રાજકોટ સહિત તમામ ક્ષેત્રે કરોડો રૂપિયાનો ઓછો ટેકસ વસૂલાયો હતો

ભારત સરકારના નાણામંત્રાલયના રેવન્યુ વિભાગના સીબીડીટી દ્વારા તાજેતરમાં સમગ્ર દેશમાં બજેટરી ટાર્ગેટ ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષ માટે આપ્યો છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ દ્વારા તાજેતરમાં દેશનાં તમામ ચીફ ઈન્કમટેક્ષ કમિશ્નરને પત્ર પાઠવી તેમને આગામી વર્ષ ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષના કામગીરીનો ચિતાર આપતો અને કર અકિલા વસૂલાતનો નિર્દેશ કરતો પત્ર પાઠવ્યો છે. જેમાં ગુજરાત આયકર વર્તુળોને કુલ ૬૩૦૮૫ કરોડનો કર વસૂલાતનો લક્ષ્યાંક આપ્યો છે. તેમાં ૨૮,૩૧૯ કરોડ કોર્પોરેટ ટેક્ષ અને ૩૪,૭૬૬ કરોડ વ્યકિતગત ઈન્કમટેક્ષનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ગુજરાત રાજયના મુળ લક્ષ્યાંક ૬૩,૦૮૫ કરોડ બાદ હવે ચીફ કમિશ્નર ઓફ ગુજરાત ઈન્કમટેક્ષ દ્વારા ટૂંક સમયમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા રીઝીયન વાઈઝ ટાર્ગેટ આપવામાં આવશે. ગત વર્ષે રાજકોટનો ટાર્ગેટ ૨,૯૦૦ કરોડનો હતો. જેમાં ૨૫૦ કરોડથી વધુની ઘટ આવી હતી. દેશમાં આર્થિક રાજધાની ગણાતી મુંબઈ રિઝીયનને ૨,૭૬,૦૭૧ કરોડનો કોર્પોરેટ ટેક્ષ અને પર્સનલ ઈન્કમટેક્ષ ૧,૫૦,૩૦૨ કરોડ અને સિકયુરીટી ટ્રાન્ઝેકશન ટેક્ષ ૧૨,૮૦૦ કરોડ મળી કુલ ૪,૩૯,૭૭૩ કરોડ આપવામાં આવ્યો છે, તો દિલ્હીને કુલ ૧,૯૭,૮૯૧ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. બેંગ્લોરને ૧,૫૨,૫૩૩ કરોડનો તેમજ ગૌહાટીને ૭૩,૫૨૩ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. પુણેને ૭૨,૭૬૩ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.