ગુજરાતમાં દારૂબંધી મામલે ૧ માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી…

40

અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. મોટા શહેરોમાં તો બુટલેગરો હોમ ડિલીવરી પણ પુરી પાડત થયા છે. તો માફિયાઓ અવનવા અખતરા અજમાવી ગુજરાતની સરહદે દારૂ ગુસવાડવાનો પ્રયત્ન કરે છે જેમાં ઘણીવાર સફળતા મળે છે તો ઘણીવાર પકડાઇ જાય છે. હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હોવાથી દારૂની ડિમાન્ડ વધી છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે દારૂની ડિમાન્ડ વધી જતી હોય છે. તાજેતરમાં ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આક્રમક તેવર બતાવી ચૂક્યા છે. તેઓ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાના પક્ષમાં છે. આ વિશે અનેકવાર તેઓ જાહેરમાં બોલી ચૂક્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં દારૂબંધીની છૂટ આપવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અભિયાન શરૂ કર્યું છે, જેમાં તેઓએ ગુજરાતીઓને સ્પષ્ટ વાત પૂછી છે કે,
શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો? આ ઉપરાંત તેઓએ દારૂબંધીની વિરુદ્ધમાં એક અભિયાન પણ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈંઅગેન્સ્ટલીકરબેનચેલેન્જ હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો હતો. ત્યારબાદ અનેક લોકો દારૂબંધી હટાવવાની માંગ કરી રહ્યા છે ત્યારે એક જૂથ એવું પણ છે કે જે દારૂબંધી યથાવત રાખવા માંગ કરી રહ્યું છે અને દારૂબંધી નહિ હટાવવા મુદ્દે નામદાર કોર્ટમાં અપીલ કરી છે. દારૂબંધીના નવા કાયદાને રદ નહી કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
જો દારૂબંધીનો કાયદો રદ થશે તો રાજયની સામાજીક અને કાયદાની વ્યવસ્થા ખોરવાઇ જશે તેવી રજૂઆત કરવામાં આવી છે. જેના કારણે દારૂડિયા ખુલ્લેઆમ દારૂ પીને રસ્તા પર નીકળશે અને મહીલાઓ અને બાળકો સલામત નહી રહે. આ અંગે વધુ સુનાવણી ૧લી માર્ચે હાથ ધરાશે. ગાંધીનગરના એક તબીબ સહિત એક મહિલાએ પણ ગુજરાતમાંથી દારૂબંધીનો કાયદો રદ કરવા માટે નામદાર કોર્ટમાં અરજી કરી છે. જેનો વિરોધ કરતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ અરજીમાં એવી રજુઆત કરાઇ છે કે, દારૂબંધીના નવા કાયદામાં સજાની કડક જોગવાઇઓ છે તેના લીધે લોકોમાં ડર રહે છે. જો તે હટી જશે તો અન્ય રાજયોની જેમ અહી પણ ગુનાખોરી વધશે. આમ લોકોમાં દારૂબંધી મામલે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.