ગુજરાતમાં એનસીપીનું હવે નવસર્જન થશે : શંકરસિંહ વાઘેલાના હાથમાં બાગડોર સોંપાઇ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રના પૂર્વ મંત્રી શંકરસિંહ વાઘેલાને એનસીપીના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે…

ગાંધીનગર,
“ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રના પૂર્વ મંત્રી શંકરસિંહ વાઘેલાને એનસીપીના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. સંગઠનના એક સારા જાણકાર અને રાજકિય કુશલતા ધરાવનાર વાઘેલા હવે ગુજરાતમાં એનસીપીના સંગઠનમાં નવો પ્રાણ ફૂંકશે તેમાં કોઇ બેમત નથી. તેઓ ત્રીજા રાષ્ટ્રીય પક્ષના પ્રદેશ પ્રમુખ બન્યા છે. આ અગાઉ ભાજપ,કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ બન્યા હતા. અને હવે એનસીપી પક્ષના પ્રમુખ તરીકેનો હવાલો સંભાળી રહ્યા છે. ગુજરાતમાં સપા-બસપા રાજકીય પક્ષોની જેમ એનસીપીનું કોઇ બૂથ લેવલ સુધીનું સંગઠન નથી. ગુજરાતમાં એનસીપીને અત્યાર સુધી માત્ર એક કે બે બેઠકો મળી છે. જેમાં ઉમેદવારો પોતાની શક્તિ પર જીતે છે. પક્ષના નામે નહિ પણ ઉમેદવારના નામે જીતે છે.

જો કે હવે શંકરસિંહ વાઘેલા કે જેઓ બૂથ લેવલ સુધી સંગઠનના એક સારા રાજકીય ખેલાડી છે અને ભાજપ-કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોના સંગઠનને પોતાના કાર્યકાળ દરમ્યાન મજબૂત બનાવ્યા છે ત્યારે એનસીપીને પણ તેઓ બૂથ લેવલ સુધી લઇ જશે. એમ રાજકી નિરીક્ષકોનું માનવું છે.

મહારાષ્ટ્રમાં એનસીપી ભાજપ-કોંગ્રેસની હરોળમાં છે. પરંતુ ગુજરાતમાં એનસીપી ત્રીજા સ્થાને પણ નથી. શંકરસિંહ વાઘેલા જેમ મહારાષ્ટ્રમાં એનસીપીને અવગણના થતી નથી પણ ગુજરાતમાં વાઘેલાના નેતૃત્વમાં એનસીપીની નોંધ લેવી પડશે એમ પણ નિરીક્ષકો માની રહ્યા છે.