ખેતીની જમીન ઉપર સસ્તાં મકાનો બનાવવા બિલ્ડરોને છૂટ અપાશે : મુખ્યમંત્રી રૂપાણીની મોટી જાહેરાત…

મુખ્યમંત્રી વિજય રૂપાણીની મોટી જાહેરાત…

બિલ્ટઅપ એરિયામાં વધારો કરાશે,ચાર્જેબલ FSI  પર વ્યાજમાં રાહત આપવાની વિચારણા,૨૦૦થી વધુ પ્રોજેક્ટ્‌સ ઓનલાઈન જોવા મળશે…

૮૦ સ્ક્વેરમીટરના સ્થાને હવે ૯૦ સ્ક્વેરમીટર બિલ્ટઅપ યુનિટનો એફોર્ડેબલ હાઉસિંગમાં સમાવેશ…

ગાંધીનગર : એફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા અને બિલ્ડરો તેમજ ડેવલપર્સને સરળતાથી જમીન ઉપલબ્ધ બને એ માટે આજે ગુજરાત સરકારે એફોર્ડેબલ હાઉસિંગ માટે ખેતીની જમીન સરળતાથી મળી રહે એ માટે કાયદામાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. ગાઈહેડ ક્રેડાઇના વર્ચ્યુઅલ પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે એફોર્ડેબલ હાઉસિંગ નિર્માણ માટે સરળતાથી વધુ જમીન ઉપલબ્ધ થાય અને મોટા પાયે આવા આવસો બનાવી ઘરના ઘરનું સામાન્ય માનવીનું સપનું પાર પડે એ માટે ખેતીની જમીન કાયદા ૬૩ AAA હેઠળ એફોર્ડેબલ હાઉસિંગ માટે સરકાર જમીનોની પરવાનગી આપશે.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે એફોર્ડેબલ હાઉસિંગ વધુ મોટા અને ત્રણ રૂમ રસોડાનાં મકાનો બાંધી શકાય એ હેતુસર ૮૦ ચોરસમીટર બિલ્ટઅપ એરિયાના સ્થાને હવે ૯૦ ચોરસમીટર બિલ્ટઅપ યુનિટનો એફોર્ડેબલ હાઉસિંગમાં સમાવેશ કરવામાં આવશે. આના કારણે લોકોને આ કેટેગરીમાં વધુ મોટાં ઘર મળી શકશે. આના પરિણામે હવે લાભાર્થી પરિવારોને સુવિધાયુક્ત અને વધુ જગ્યાવાળાં આવાસો મળતાં થશે.
રૂપાણીએ બાંધકામક્ષેત્રને વેગ આપવા અન્ય એક જાહેરાત કરતાં કહ્યું હતું કે હાલ ચાર્જેબલ FSI બાંધકામ મંજૂરી વખતે લેવામાં આવે છે, પરંતુ આવી ચાર્જેબલ FSI વાળો બાંધકામ ભાગ પાછળથી કરવાનો થતો હોઇ આ FSI સમગ્ર રાજ્યમાં એકસમાન પદ્ધતિએ લેવામાં આવશે. આ સંદર્ભમાં વ્યાજમાં રાહત આપવાની બાબતે પણ રાજ્ય સરકાર વિચારાધીન છે એમ ઉમેર્યું હતું.
ગાઈહેડ ક્રેડાઇના પ્રેસિડેન્ટ અજય પટેલે જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પહેલીવાર ઓનલાઈન પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ચ્યુઅલ પ્રોપર્ટી શોમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોના ૨૦૦થી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્‌સ જોવા મળશે. આમાં એફોર્ડેબલ હાઉસિંગથી લઈને હાઈ એન્ડ પ્રોપર્ટી, પ્લોટિંગ તેમજ કોમર્શિયલ અને ઓફિસ પ્રોપર્ટી જોવા મળશે.
ક્રેડાઈના નેશનલ પ્રેસિડેન્ટ જક્ષય શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં બિઝનેસ ડાયનેમિક સિવાય બીજી ઘણી મહત્ત્વની બાબતો છે. કોસ્ટ ઓફ ડુઈંગ બિઝનેસ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, પીસ ઓફ ડુઈંગ બિઝનેસ સહિતના પાસાઓ ગુજરાતમાં મજબૂત છે જેના કારણે અહીં રિયલ એસ્ટેટ સેક્ટરનો ઘણો જ વિકાસ થયો છે. ગુજરાતમાં મજબૂત સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવાથી બહારથી આવીને વસતા લોકો પણ અહીં પોતાને સુરક્ષિત અનુભવે છે.