ખેડૂત મહાપંચાયતમાં કેજરીવાલે નવા ત્રણ કૃષિ કાયદાને ડેથ વોરન્ટ ગણાવ્યા…

9

ભાજપે તો અંગ્રેજોને પણ પાછળ છોડી દીધા,તમામ સરકારોએ ૭૦ વર્ષ ખેડૂતોને દગો આપ્યો…

મેરઠ : ઉત્તર પ્રદેશના મેરઠમાં ખેડૂત મહાપંચાયતમાં પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે ત્રણેય કૃષિ કાયદાને ડેથ વૉરન્ટ ગણાવ્યું છે. કેજરીવાલે કહ્યું કે, પીએમ મોદીએ પોતાના મૂડીપતિ મિત્રોને ફાયદો પહોંચાડવા માટે આ કાયદો પાસ કરાવ્યો છે. આ કાયદાના કારણે સૌની ખેતી મૂડીપતિઓના હાથમાં જતી રહી છે. કેજરીવાલે ખેડૂત નેતા રાકેશ ટિકૈતના રડવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે ખેડૂત આંદોલન દરમિયાન રાકેશ ટિકૈત રડી રહ્યા હતા તો મારાથી જોઇ ના શકાયું.
તેમણે કહ્યું કે, ખેડૂતો પર લાકડીઓ વરસાવવામાં આવી રહી છે, ખીલાઓ ઠોકવામાં આવી રહ્યા છે. અંગ્રેજોએ પણ આટલા જુલ્મ તો આપણા ખેડૂતો પર કર્યા નહોતા. ભાજપે તો અંગ્રેજોને પણ પાછળ છોડી દીધા. હવે તેઓ આપણા ખેડૂતો પર ખોટા કેસ કરી રહ્યા છે. કેજરીવાલે પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, “આજે આપણા દેશનો ખેડૂત ઘણો વધારે દુઃખમાં છે. ખેડૂત ભાઈઓ પરિવાર સહિત ૯૫ દિવસથી કડકડતી ઠંડીમાં દિલ્હીની બૉર્ડર પર ધરણા પર બેઠા છે. ૨૫૦થી વધારે ખેડૂત ભાઈઓ શહીદ થઈ ચુક્યા છે, પરંતુ સરકારના કાન પર જૂ નથી ફરકી રહી.”
તેમણે કહ્યું કે, “તમામ પાર્ટીઓની સરકારોએ ૭૦ વર્ષ ખેડૂતોને દગો આપ્યો છે. ખેડૂતો ૭૦ વર્ષથી પોતાના પાકના યોગ્ય ભાવ માંગી રહ્યા છે. તમામના ચૂંટણી મેનિફેસ્ટોમાં લખ્યું હશે કે અમે યોગ્ય ભાવ આપીશું. જો યોગ્ય ભાવો આપ્યા હોત તો ખેડૂતો આત્મહત્યા ના કરતા.” મેરઠ બાઇપાસ સ્થિત સંસ્કૃતિ રિસોર્ટમાં આ ખેડૂત મહાપંચાયત આયોજિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યૂપીમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચુકેલી આપએ ખેડૂત મહાપંચાયતને લઇને સંપૂર્ણ તૈયારી કરી છે.
કેન્દ્ર સરકાર તરફથી લાગુ કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત દેશભરમાં ફરી-ફરીને ખેડૂતોની મહાપંચાયત કરી રહ્યા છે. તો રાજકીય દળો પણ ખેડૂતોના મુદ્દા પર મહાપંચાયત કરવામાં લાગ્યા છે. થોડાક દિવસ પહેલા કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ખેડૂત મહાપંચાયતને સંબોધિત કરી હતી. હવે દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી ખેડૂત મહાપંચાયત કરવા જઈ રહી છે. ખેડૂત મહાપંચાયત માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ખુદ ખેડૂત નેતાઓની સાથે બેઠક કરી અને કૃષિ કાયદાઓને લઇને ચર્ચા કરી.