ખેડૂતો, યુવાઓ, મહિલાઓને આકર્ષિત કરતું રૂપાણી સરકારનું બજેટ…

ગુજરાતની સ્થાપના બાદ પહેલીવાર બજેટનું કદ રૂ.૨ લાખથી વધ્યું,પટેલે સાતમી વાર બજેટ રજૂ કર્યું

ત્રણ વર્ષમાં ૨૦ હજાર કરોડના ખર્ચે પાઇપલાઇનથી ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાશે, ૪૫૦૦ કરોડની ફાળવણી,અષાઢી બીજથી નર્મદા ડેમના દરવાજા ખોલાશે.આવતી અષાઢી બીજ સુધીમા પડતર ૧.૨૫ લાખ કિસાનોને નવા વીજ કનેકશન અપાશે, રોજગાર સહિતના પાંચ ક્ષેત્રો પર વિશેષ ભાર, શિક્ષણ પર સૌથી વધુ ૩૦ હજાર કરોડ ફાળવ્યાં : નીતિન પટેલ

ગાંધીનગર,
આજે નાણામંત્રી નીતિન પટેલ ૭મીવાર નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યું છે. ગુજરાતની સ્થાપના બાદ પહેલીવાર ૨ લાખ કરડોનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણાંમંત્રીએ ૨,૦૪,૮૧૫ કરોડનુ બજેટ રજૂ કરવા દરમિયાન ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો. ત્યાર બાદ કૃષિ, આરોગ્ય, રોજગારી અને પાણી પર ભાર આપી જાહેરાતો કરવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન સોગંદનામા અને નોટરીના લખાણના લેખો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં અઢી ગણો વધારો કરી રૂ. ૨૦ના ૫૦ કર્યા છે.
પટેલે જણાવ્યું કે, આ બજેટ નવી દિશાનું, પાણીદાર, વિકાસલક્ષી, પ્રજાલક્ષી બજેટ રહેશે. પ્રજાલક્ષી બજેટ હોવાનું નાણામંત્રીએ સંકેત આપ્યાં હતાં. મોદી સરકારના એજન્ડાને ગુજરાતના બજેટમાં ધ્યાન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આજરોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારનું પૂર્ણ કદનું બજેટ રજૂ કરતા મહત્વની જાહેરાતો કરી છે. ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ૨૦૨૦ સુધીમાં તમામ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર ૨૦ હજાર કરોડનો ખર્ચ કરશે. ગુજરાતના ૧૩ હજાર ગામોને નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. આના માટે હાલ ૪,૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સોગંદનામા અને નોટરીના લખાણના લેખો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં અઢી ગણો વધારો કરી રૂ. ૨૦ના ૫૦ કર્યા છે.

ભારત સરકારે રાજ્યના ૨૮ લાખ ખેડૂતોને સહાયના પ્રથમ બે હપ્તા પેટે ૧,૧૩૧ કરોડ ચૂકવ્યા, ભારત સરકારે બે હેક્ટરની મર્યાદા દૂર કરી છે, જેથી રાજ્યના બધા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. દરમિયાન ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુરુવારે અષાઢી બીજ છે અને આ પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળશે જેથી ઈશ્વર કૃપા આપણા સૌ પર રહેશે. આ પાવન દિવસે નર્મદા ડેમના દરવાજાને ખોલવામાં આવશે અને નર્મદાની મેઈન કેનાલમાં પાણી છોડવામાં આવશે જેથી રાજ્યના જરૂરિયાત વાળા વિસ્તારોમાં ખેતીનું સિંચાઈનું પાણી ઉપલબ્ધ થઈ રહેશે. આ ઉપરાંત જગતના તાતને મદદરૂપ થવા આવતા વર્ષની અષાઢી બીજ સુધીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ અમે ૧.૨૫ લાખ ખેડૂતોની પડતર અરજીઓનો નિકાલ કરી તેમને વીજજોડાણો આપવામાં આવશે તેવી જાહેરાત નીતિન પટેલે કરી હતી.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭,૧૧૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોને ઝીરો ટકાના દરે લોન મળે તે માટે વ્યાજ સહાય માટે ૯૫૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી ૧૫ લાખ યુવાઓને રોજગારી મળે તે માટે ૩૧,૮૭૭ કરોડની લોન અપાશે.

  • વહાલી દીકરી યોજનામાં ૨ લાખની આવક ધરાવતા પરિવારને સહાય – દીકરી પહેલાં ધોરણમાં આવે ત્યારે ૪૦૦૦ની સહાય – આગામી ૩ વર્ષમા નવા ૬૦ હજાર કર્મચારીઓની ભરતી કરાશે
  • રાજ્યની જેલો અને કોર્ટ વચ્ચે વિડીઓ કોંફરન્સ સિસ્ટમ ઉભી કરવા માટે ૩૧ કરોડની જોગવાઈ – માછીમારોને ફિશિંગ બોટ અને ડીઝલ પર વેટ સહાય માટે ૧૫૦ કરોડ જોગવાઈ – શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે ૩૦,૦૪૫ કરોડ – આરોગ્ય પરિવાર કલ્યાણ માટે ૧૦.૮૦૦ કરોડ
  • મહિલા અને બાળ વિકાસ માટે ૩૧૩૮ કરોડની જોગવાઇ – અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂપિયા ૧૦૦૫ કરોડની જોગવાઈ – સામાજિક ન્યાય અધિકારિતા ૪૨૧૨ કરોડની જોગવાઇ – માંદા ઔધોગિક એકમોના પુનર્વસન માટે રૂપિયા ૬૦ કરોડની જોગવાઈ