ખનીજ માફિયાઓના પાપે મહીસાગરમાં ચારનું ડૂબી જવાથી મોત : સરકારી બાબુઓ ભાગબટાઇમાં મસ્ત

  • ઉમરેઠ તાલુકાનું પ્રતાપપુરા ગામ ડૂસકે ચઢ્યું, બાળક સહિત ત્રણ મહિલાનું અકાળે મોત…

ઉમરેઠ તાલુકા મથકના છેવાડાના કોતર વિસ્તારમાં પ્રતાપપુરા ગામમાં રહેતા રમેશભાઈ રતનસિંહના પુત્ર રાજેન્દ્રસિંહના લગ્ન હોઈ ભાઈના લગ્નમાં મહાલવા મોરબી પરણાવેલી સગી બહેન કિરણબા રણવીરસિંહ ઝાલા સહિત સગા સબંધીઓ વરરાજાના આંગણે આવ્યા હતા, ગઈકાલે ભોજન સમારંભ હતો અને આજે ભાઈની જાન ઠાસરા તાલુકાના ભૈડવા ગામે જવાની હોઈ તૈયારીઓ ચાલી રહી હતી, દરમ્યાન ઘર નજીક કોતરોમાંથી પસાર થતી  મહીસાગર નદીમાં પાંચ મહિલા અને એક નાનો છોકરો નાહવા ગયા હતા, દરમ્યાન ઉપેન્દ્ર ઉર્ફે ભીખાભાઇ વિજયભાઈ ચાવડા ઉ.વ.12 પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા જતા એક પછી એક ત્રણ મહિલા મધુબેન દીપભાઈ ખોડાભાઈ ચાવડા ઉ.વ.50, રહે દાનિયાની મુવાડી, ચતુરબેન મોહનસિંહ પ્રતાપસિંહ પરમાર ઉ.વ.50 રહે.સરદારપુરા, રાણીયા, તા. ઠાસરા તેમજ સગી બહેન કિરણબા રણવીરસિંહ ઝાલા ઉ.વ.32, રહે રવાપૂરા,મોરબી ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા તમામ કરુણ મોતને ભેટ્યા હતા, જ્યારે પાંચમી મહિલાએ બુમાબુમ કરતા આજુબાજુથી દોડી આવેલા ગ્રામજનોએ બચાવી લીધી હતી જેની  ઓડની સરકારી દવાખાનામાં સારવાર કરાઈ રહી છે, આ અંગે જાણ થતા ખંભોળજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પરાક્રમસિંહ પરમાર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તમામ લાશોને ઓડ મુકામે આવેલ સરકારી દવાખાનામાં પોસમોર્ટમ કરવા મોકલી આપી હતી.
  • ભાઈના લગ્નમાં આવેલ બહેનને કાળ ભરખી ગયો  

ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે ઉમરેઠથી વિસ કિલોમીટર દૂર મહીસાગર નદીના કોતરોમાં વસેલા રાજવી ગામ પ્રતાપપુરામાં રમેશભાઈ હિંમતસિંહના પુત્ર રાજેન્દ્રસિંહના લગ્ન ઠાસરા તાલુકાના ખીજલપુર પાસે આવેલ ભૈડવા ગામે  નક્કી કરવામાં આવતા, મોરબી ખાતે પરણાવેલી હરખઘેલી બહેન કિરણબા સાસરીએથી માના જણેલા ભાઈના લગ્નમાં મ્હાલવા આવેલી પરંતુ વિધિ ના લેખ કંઈક  જુદા લખ્યા હતા હતા અને ભાઈના લગ્નમાં આવેલ બહેનને કાળ ભરખી ગયો.