ક્રિસ ગેલે અબુધાબી ટી-૧૦ લીગમાં માત્ર ૧૨ બોલમાં ફિફ્ટી ફટકારી…

8

અબુધાબી : વેસ્ટઈન્ડિઝના બેટ્‌સમેને અબુધાબી ટી-૧૦ લીગમાં માત્ર ૧૨ બોલમાં ફિફ્ટી ફટકારી દીધી હતી. ગેલે આ સાથે ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં બનાવવામાં આવેલા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના બેટ્‌સમેન યુવરાજ સિંહે ટી-૨૦માં આ પરાક્રમ કર્યું હતું. તેમણે ૨૦૦૭માં ટી-૨૦ વિશ્વ કપમાં ઈંગ્લેન્ડની સામે ૧૨ બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
ક્રિસ ગેલે ટીમ અબુ ધાબી તરફથી રમતા મરાઠા અરેબિયંસની સામે રમતા યુવરાજના રેકોર્ડની બરાબરી કરી હતી. ક્રિસ ગેલે આ પરાક્રમ પહેલીવાર નથી કર્યું, આ પહેલા તેમણે ૨૦૧૬માં બિગ બેસ લીગમાં ૧૨ બોલમાં ફિફ્ટી ફટકારી હતી. મેચની વાત કરીએ તો મરાઠા અરેબિયંસે ૧૦ ઓવરમાં ૪ વિકેટના ભોગે ૯૭ રન બનાવ્યા હતા.
જેના જવાબમાં અબુધાબીએ માત્ર ૫.૩ ઓવરમાં જ એક વિકેટના ભોગે ૧૦૦ રન બનાવી મેચ જીતી લીધી હતી. ગેલે પોતાની પારીના બે બોલ મીસ કર્યા હતા. ત્રીજા બોલે તેમણે બાઉન્ડ્રી ફટકારી હતી. ત્યાર બાદ તો ગેલે ફોર-સિક્સનો વરસાદ કરી દીધો હતો. પોતાની પારીમાં ગેલે ૯ સિક્સ અને ૬ ફોર મારી હતી. તેમણે ૨૨ બોલમાં ૮૪ રન ફટકારી ટીમને જીત અપાવી હતી.