કોરોના રસીનો ડોઝ લીધા બાદ હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અસ્વસ્થ..!!

રસીનો ટ્રાયલ ડોઝ લેનાર મંત્રી અનિલ વિજ ૧૪ દિવસ બાદ કોરોના પોઝિટિવ…

મંત્રીની સાથે ૨૦૦ વોલેન્ટિયર્સને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, કંપનીનો દાવો રસી ૯૦ ટકા અસરકારક થશે…

ચંડીગઢ : કોરોનાની વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે વોલેન્ટિયર બનનારા હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ કોરોનાથી સંક્રમિત થયા છે. શનિવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિજે ટ્‌વીટ કરી આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, તે કોરોના પોઝિટિવ છે અને અંબાલા કેંટની એક સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે કહ્યું કે, તેમના સંપર્કમાં આવેલા લોકો પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે વિજ સંક્રમિત થતા દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યુ, ગૃહમંત્રીજી, તમારા કોરોના સંક્રમિત થવાના સમાચાર મળ્યા. મને વિશ્વાસ છે કે તમે પોતાની દ્રઢશક્તિથી આ બીમારીને જલદી માત આપશો. ઈશ્વરને તમારા જલદી સાજા થવાની પ્રાર્થના કરુ છું.
મહત્વનું છે કે ૨૦ નવેમ્બરે વિજને કોરોનાની વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં ડોઝ આપવામાં આવ્યો હતો. વિજે ખુદ કોરોના વેક્સિનની ટ્રાયલ માટે વોલેન્ટિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ૨૦ નવેમ્બરે હરિયાણામાં કોવાક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થઈ હતી. આ દરમિયાન અનિલ વિજે રસી લગાવી હતી. વિજની સાથે ૨૦૦ વોલેન્ટિયર્સને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે ૨૮ દિવસ બાદ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે. ભારત બાયોટેક કંપની આઈસીએમઆરની સાથે મળીને કોરોનાની વેક્સિન કોવાક્સિનનું નિર્માણ કરી રહી છે. પીજીઆઈ રોહતક દેશના તે ત્રણ સેન્ટરોમાંથી એક છે જ્યાં ત્રીજા તબક્કાની ટ્રાયલમાં રસી લગાવવામાં આવી રહી છે. ત્રીજા તબક્કામાં ૨૦૦ વૉલિયન્ટર્સને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. કંપનીએ દાવો કર્યો કે, આ રસી ૯૦ ટકા અસરકારક થશે.
દેશના ૨૦ રિસર્ચ સેન્ટર કોરોના વેક્સિનની ત્રીજી ટ્રાયલ કરવામાં આવી રહી છે. લગભગ ૨૬ હજાર લોકોને કોરોના વેક્સિન આપવામાં આવશે. આ સેન્ટરમાં પીજીઆઇએમએસ રોહતક પણ સામેલ છે. ભારત બાયોટેક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે મળીને આ ટ્રાયલ કરી રહ્યા છે. પહેલા બે તબક્કામાં જે લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી, તેમાં કોઈ આડ અસર જોવા મળી ન હતી. કોઈ પણ વોલેન્ટિયરના કોરોના સંક્રમિત થવાનો રિપોર્ટ પણ નથી.