કોરોના પોઝિટિવ મહિલાની ૧૦૮માં સફળ પ્રસૂતિ : એમ્બ્યુલન્સમાં બાળકીને જન્મ આપ્યો…

19

સુરત : બારડોલીથી ૧૦૮માં સુરત સિવિલ હોસ્પિટલ લવાઈ રહેલી કોરોના પોઝિટિવ સગર્ભાની ઇએમટીએ ચાલુ એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ આપ્યું છે. ૧૦૮ એમ્બ્યુલન્સમાં બાળકીને જન્મ આપનાર વર્ષાની આ પહેલી પ્રસૂતિ હોવાનું પરિવારે જણાવ્યું છે. ૯મા મહિને પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા પરિવાર બારડોલી સરકારી હોસ્પિટલમાં લઇ ગયા બાદ રિપોર્ટ આવ્યા વગર જ સગર્ભા વર્ષા કોરોના પોઝિટિવ હોવાનું કહી આખી રાત હોસ્પિટલમાં બેસાડી રખાયા હોવાનું પરિવારે જણાવ્યું છે.
કલ્પેશ વસાવા (પ્રસૂતાના પતિ)એ જણાવ્યું હતું કે, લગ્નને એક જ વર્ષ થયું છે. અમે ખેડૂત છીએ. આખો દિવસ ખેતીમાં કામ કરીએ છીએ. રાત્રે સગર્ભા વર્ષાને અચાનક પ્રસૂતિનો દુઃખાવો ઉપડ્યો હતો. ડેડીયાપાડાથી અમે વર્ષાને તાત્કાલિક બારડોલી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. લોહીના સેમ્પલ લીધા બાદ વગર રીપોર્ટે ડોક્ટરોએ સગર્ભા વર્ષા કોરોના પોઝિટિવ હોવાનું કહી રાત્રે ૨ વાગ્યાથી દાખલ કરી પરિવારને બેસાડી રાખ્યા હતાં. સવાર પડતા જ અમને ૧૦૮માં સગર્ભા વર્ષા સાથે સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરી દીધા હતા.
વર્ષાને સુરત લાવતા જ ઓન રોડ ૧૦૮માં વર્ષાને પ્રસૂતિનો દુઃખાવો ઉપડ્યો હતો. દુઃખાવો સહન ન થતા ૧૦૮ની ઇએમટીએ તાત્કાલિક ચાલુ એમ્બ્યુલનસે વર્ષાની પ્રસૂતિ કરાવી હતી. એમ કહી શકાય કે, બાળકીએ ચાલુ એમ્બ્યુલનસે જન્મ લીધો હતો. ત્યારબાદ માતા-પુત્રીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં ખસેડાયા હતાં. જ્યાં તાત્કાલિક ગાયનેક વોર્ડમાં બન્નેને રીફર કર્યા બાદ ૧૦૮ની ટીમ રવાના થઈ હતી. પરિવારે કહ્યું હતું કે, અમારા માટે ૧૦૮ આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. વર્ષાએ ૧૦૮માં બાળકીને નહિ લક્ષ્મીને જન્મ આપ્યો છે. અમે ૧૦૮ની ઇએમટીના આભારી છીએ.