કોરોના કેસોમાં વધારો થતા તમિલનાડુમાં લોકડાઉન ૩૧ માર્ચ સુધી લંબાવાયું…

9
આવતા મહિને વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય…

ચેન્નાઈ : કોરોના વાયરસના ચેપના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તામિલનાડુમાં લોકડાઉનનો સમયગાળો ૩૧ માર્ચ સુધી વધારવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ આદેશની સાથે કોરોના માર્ગદર્શિકાનું પાલન કરાવાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રને સોંપી છે. આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારે લોકોને જરૂરી તમામ સાવચેતી રાખવાની સૂચના જારી કરી છે. તામિલનાડુમાં કોવિડના કેસોમાં અચાનક વધારો થયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોવિડ -૧૯ના ૫૨૧ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે ૫ લોકોનાં મોત પણ થયાં છે. સોમવારથી દેશમાં કોરોના રસીકરણના બીજા તબક્કાની શરૂઆત સાથે ઘણા રાજ્યોમાં વધતા જતા કેસો ચિંતાનું કારણ બની રહ્યા છે.
તામિલનાડુ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ સતત વધી રહેલા દર્દીઓને કારણે ભય વધ્યો છે. ઘણા વિસ્તારોમાં કર્ફ્યુનો સમયગાળો વધારવામાં આવ્યો છે. તામિલનાડુમાં અગાઉનો લોકડાઉન સમયગાળો ૨૮ ફેબ્રુઆરી સુધીનો હતો. નવા આદેશમાં કોઈ કડક નિયમ બનાવવામાં આવ્યો નથી, પરંતુ કેન્દ્ર સરકારની એડવાઈઝરીનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. જરૂર પડે તો કલમ ૧૪૪ લાદવાની સૂચના પણ આપવામાં આવી છે.